હવે દૂધના ભાવ નહીં વધે ?

નવી દિલ્હી, તા. 14 : ચાલુ નાણાકીય વર્ષમાં દૂધનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ 5-6 ટકા ઘટીને 1760 લાખ ટન થવાનું અંદાજાય છે, પણ તેના ભાવમાં વધુ વધારાની શક્યતા જણાતી નથી, કારણ કે આ મહિનાથી તેનું ઉત્પાદન વધવાની ધારણા રખાય છે, એમ રેટિંગ એજન્સી ક્રિસિલના અહેવાલમાં જણાવાયું હતું. તેની વિપુલ સપ્લાયની સિઝન જે નવેમ્બર-ડિસેમ્બરથી શરૂ થતી હોય છે તે ચોમાસું વિલંબાતા 1-2 મહિના મોડી શરૂ થશે. એટલે કે દૂધનું ઉત્પાદન આ મહિનાથી વધવા લાગશે એમ મનાય છે. આથી આ નાણાકીય વર્ષમાં તેની ઉપલબ્ધતા આ મહિનાથી વધવા પર રહેશે. નાણાકીય વર્ષ 2021માં દૂધનું ઉત્પાદન વધવાની ધારણા રખાય છે. આથી તેની ભાવવૃદ્ધિ અટકે એમ મનાય છે.
આમ તો એપ્રિલ-ડિસેમ્બર '19 વચ્ચેના ગાળામાં દૂધની પ્રાપ્તિનો ભાવ 19 ટકા વધ્યો હતો. બીજી તરફ દૂધનો છૂટકભાવ આ ગાળા દરમિયાન 3-4 ટકા વધ્યો હતો અને નાણાકીય વર્ષ 2020 માટે 5 ટકા ઊંચો રહેવાની ધારણા રખાય છે. જોકે, નાણાકીય વર્ષ 2020ના પ્રથમ કવાર્ટરમાં તેમાં નફાકારક માર્જિન 50-100 બેઝીસ પોઈન્ટ સંકોચાય, કારણ કે દૂધના પ્રોકયુરમેન્ટ ભાવો સામાન્ય રહેવા સાથે આ મહિના અને એપ્રિલ વચ્ચેના ગાળામાં દૂધનું ઉત્પાદન વધશે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer