સુવર્ણ આભૂષણોનાં હોલમાર્કિંગ : ઝવેરીઓનો ઠંડો પ્રતિભાવ

મુંબઈ, તા. 14 : સુવર્ણ આભૂષણો પર હોલમાર્કિંગ જરૂરી બનાવતા ધારાધોરણો પ્રત્યે ઝવેરીઓએ ઠંડો પ્રતિભાવ દાખવ્યો છે. ઇન્ડિયન એસોસિયેશન અૉફ હોલમાર્કિંગ સેન્ટરે અૉક્ટોબર સુધીમાં લગભગ એક લાખ ઝવેરીઓ હોલમાર્કિંગના ધારાધોરણો અપનાવી લેશે એવી અપેક્ષા રખાતી હતી. ઝવેરીઓ જેટલા જલદીથી આભૂષણો પર હોલમાર્કિંગ કરાવી દે તો વપરાશકારોને નકલી ઘરેણાં બાબતે છેતરપિંડીનો ભોગ બનતા બચાવી શકાય અને જેટલું વહેલું હોલમાર્કિંગ લાગુ થશે તો 900 આકારણી કરનાર અને હોલમાર્કિંગ સેન્ટરોને લાભ થશે.
સરકારે સોનાની કવૉલિટી નિશ્ચિત કરવાના હેતુએ 15 જાન્યુઆરી 2021થી સોનાના આભૂષણો અને કલાકૃતિઓ પર હોલમાર્કિંગ જરૂરી કરી દીધું છે. ઝવેરીઓ 15 જાન્યુઆરી 2021થી 14, 18 અને 22 કેરેટ સોનામાંથી બનેલા અને હોલમાર્ક કરાયેલા આભૂષણો જ વેચી શકશે. આ નિયમ તોડનારાને દંડ ઉપરાંત એક વર્ષની જેલ પણ થઈ શકે છે.
ઝવેરીઓને બ્યુટી અૉફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)ની સાથે રજિસ્ટર કરવા ઉપરાંત જરૂરી હોલમાર્કિંગ લાગુ કરવા એક વર્ષનો સમય અપાયો છે. સરકારે આ સંબંધે 15 જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર કર્યું હતું. કુલ ત્રણ લાખ ઝવેરીઓમાંથી હાલ માત્ર 30,000 ઝવેરીઓ બીઆઈએસ સમક્ષ નોંધાયેલા છે. આમ તો હોલમાર્કિંગ ફક્ત આભૂષણોના વેચાણ કરવા માટે જ જરૂરી બનાવાયું છે. જો ગ્રાહક પોતાના બુલિયન અથવા જૂના દાગીના આપવા માટે આવશે તો એ લોકોને માટે આ નિયમ લાગુ નહીં પડે. 20 અને 23 કેરેટના હોલમાર્કિંગ કરવા માટે દબાણ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે ગ્રાહકોની પાસે હાલ પણ બુલિયન અથવા જૂના દાગીનાને પોતાની મરજી પ્રમાણેનો કેરેટમાં બદલવાનો વિકલ્પ રહ્યો છે.

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer