બાસમતી ચોખાની વૈશ્વિક નિકાસમાં ઘટાડો થવાનો અંદાજ : આઈસીઈએક્સ

બાસમતી ચોખાની વૈશ્વિક નિકાસમાં ઘટાડો થવાનો અંદાજ : આઈસીઈએક્સ
મુંબઈ, તા. 14 : ન્ડિયન કોમોડિટી એક્સચેન્જ (આઈસીઈએક્સ)પર સમીક્ષા હેઠળના ગત 6થી 12 ફેબ્રુઆરી 2020ના સપ્તાહમાં કુલ ટર્નઓવર અગાઉના સપ્તાહના સમાનગાળાની સરખામણીમાં રૂા.127.07 કરોડ જેટલું ઘટીને રૂા.1016.17 કરોડનું થયું હતું. આ ગાળામાં ડાયમંડમાં ટર્નઓવર રૂા.74.68 કરોડ ઘટી રૂા.753.95 કરોડ, સ્ટીલ-લોંગમાં રૂા.42.42 કરોડ જેટલું ઘટી રૂા.157.70 કરોડ, રબરમાં રૂા.1.04 કરોડ વધી રૂા.47.10 કરોડ અને બાસમતી ચોખામાં રૂા.11.01 કરોડ ઘટી રૂા.57.42 કરોડનું થયું હતું. 
રબર : સૌથી સક્રિય ફેબ્રુઆરી 2020 વાયદાના કોન્ટ્રાકટના ભાવ ક્વિન્ટલદીઠ રૂા.13,330 સામે રૂા.470 વધી રૂા.13,800 થયો હતો. હાજર બજારોમાં ભાવ ઊંચકાતા સ્થાનિક વાયદા બજારે ફંડામેન્ટલનું અનુસરણ કર્યું હતું. માગ સુધરતાં કેરળ હાજર બજારોમાં નેચરલ રબરના ભાવ ક્વિન્ટલદીઠ રૂા.13,350થી રૂા.400 વધી રૂા.13,750 થયા હતા. આવકની સતત તંગીનો પણ ટેકો ભાવને પ્રાપ્ત થયો હતો. કોરોના વાઇરસ સંબંધી ચિંતાઓ હળવી થતાં અને સેન્ટિમેન્ટ સુધરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ટોકિયો કોમોડિટી એક્સચેન્જ (ટોકોમ)પર બેન્ચમાર્ક રબર વાયદો ઊંચે બંધ થયો હતો. આ ઉપરાંત, રબરના સૌથી મોટા વપરાશકાર ચીને વ્યવસાયોને પ્રવૃત્તિઓ પુન: શરૂ કરવાની છૂટ આપી હતી, જે વ્યવસાયો કોરોના વાઇરસ ફેલાતાં બંધ કરાયા હતા. 
સ્ટીલ : સ્ટીલના નજીકના મહિનાના માર્ચ 2020 વાયદાના કોન્ટ્રાક્ટના ભાવ ટનદીઠ રૂા.32,220 સામે રૂા.730 તૂટી રૂા.31,490 થયા હતા. જોઇન્ટ પ્લાન્ટ કમિટીએ તાજેતરમાં જ જાન્યુઆરી 2020ના અંદાજિત આંકડા રજૂ કર્યા હતા. તદનુસાર, ડિસેમ્બર 2019ના 0.767 મિલિયન ટનની સરખામણીમાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની નિકાસ જાન્યુઆરી 2020માં 10 ટકા ઘટી માસિક ધોરણે 0.693 મિલિયન ટન રહી છે. માગ સુધરતાં અને સ્થાનિક ભાવમાં ઝડપી વૃદ્ધિ થતાં મિલો દેશી બજારો પર વધુ ધ્યાન આપી રહી છે. સ્થાનિકમાં સ્ટીલના ભાવ ઊંચકાતાં જાન્યુઆરી 2020માં ભારતીય સ્ટીલ મિલોએ વિયેતનામ ખાતે એચઆરસી એક્સપોર્ટ અૉફરના ભાવ વધારી દીધા હતા. આથી, વિયેતનામ ખાતેના ખરીદનારાઓએ અન્ય નિકાસકાર દેશોની સ્પર્ધાતમક અૉફર્સ પર પસંદગી ઉતારી છે. જોકે, પૂછપરછ નાણાંકીય વર્ષ 2020ના એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં 40 ટકા વધી 7.213 મિલિયન ટન રહી છે. જે ગવર્ષના સમાનગાળાના 5.150 મિલિયન ટનની હતી. 
બાસમતી ચોખા : બાસમતી ચોખાના સૌથી નજીકમાં પાકતા માર્ચ વાયદાના કોન્ટ્રાકટનો ભાવ ક્વિન્ટલદીઠ રૂા.3214થી રૂા.42 ઘટી રૂા. 3172 થયો હતો. એક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ '16થી '19 દરમિયાન 3 ટકાના વાર્ષિક વૃદ્ધિ દર સાથે હરિયાણા બાસમતી ચોખાના સૌથી ટોચના રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. એકમાત્ર નાણાકીય વર્ષ '19માં રાજ્યે 2410 મિલિયન અમેરિકી ડૉલરના મૂલ્યનું શિપમેન્ટ કર્યું હતું. તાજેતરના એક અહેવાલ પ્રમાણે વિશ્વના મધ્યપૂર્વના વિસ્તારમાં વધુ તંગ બનેલી ભૂ-રાજકીય સ્થિતિ અને કડક નિયમોને કારણે નાણાકીય વર્ષમાં ભારતની ચોખાની નિકાસમાં વર્ષ 2019-20માં અંદાજે 18થી 20 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. સમગ્ર વિશ્વમાં ચોખાની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઈરાન ખાતે બાસમતી ચોખાની અત્યાર સુધીની નિકાસ ધૂંધળી દેખાય છે. વધુમાં, યુએઈ (33 ટકા), નેપાળ (23 ટકા), યેમેન (2 ટકા), સેનેગલ (90 ટકા) અને બાંગ્લાદેશ (94 ટકા) ખાતે પણ ભારતથી ચોખાના શિપમેન્ટમાં ઘટાડો થયો હોવાનું અહેવાલ નોંધે છે.

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer