એજીઆર ચુકવણી કેસની આગામી સુનાવણી 17 માર્ચે

એજીઆર ચુકવણી કેસની આગામી સુનાવણી 17 માર્ચે
નવી દિલ્હી, તા.14 : ટેલિકોમ કંપનીઓની ચિંતામાં વધારો થયો છે કારણ કે, સુપ્રીમ કોર્ટે એજીઆર ચુકવણીની નવી અનુસૂચીને નકારી છે. ટેલિકોમ કંપનીઓ ચુકવણી નહી કરતા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (ડીઓટી) સુધારાત્મક પગલાં નહીં લેતી હોવાથી સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા સામે અનાદરની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 17 માર્ચના રોજ થશે. 
કોર્ટે અરજી ફગાવતાં ટેલિકોમ કંપનીઓના શૅર્સમાં ગાબડાં પડયાં હતાં. વોડાફોન આઈડિયા 22.22 ટકા ઘટીને રૂા.3.50 ઉપર બંધ રહ્યો હતો.  
આ કેસમાં આગામી સુનાવણી 17 માર્ચના રોજ થશે. બાકી રકમ ચુકવણી માટે આગ્રહ ન કરવાનું એટર્ની જનરલને જણાવનાર ડીઓટી વિભાગના અધિકારીને પણ સુપ્રીમ કોર્ટે કાઢી મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે આ અધિકારી વિરુદ્ધ કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. 
સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અન્ય કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર, ડિરેક્ટર્સને સમન્સ આપીને 17 માર્ચ સુધીમાં જવાબ માગ્યો છે કે કયા કારણોસર તેમણે બાકી રકમ ડિપોઝિટ કરી નથી, તેમ જ આદેશનું અનુપાલન નહીં કરતાં શા માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી ન થવી જોઈએ. 
અરુણ મિશ્રા, એસ અબદુલ નઝર અને એમ આર શાહની ખંડપીઠમાં ટેલિકોમ કંપનીઓની અરજીની ઓપન કોર્ટમાં સુનાવણી કરી હતી. અગાઉ 16 જાન્યુઆરીએ આ ખંડપીઠે ટેલિકોમ કંપનીઓની પુન:સમીક્ષાની અરજીને ફગાવીને 23 જાન્યુઆરી સુધીમાં રૂા.1.14 લાખ કરોડની ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો. 
એરટેલે રૂા.21,682.13 કરોડ લાઈસન્સ ફી પેટે, વોડાફોને રૂા.19,823.71 કરોડ, જ્યારે રિલાયન્સ કમ્યુનિકેશન્સે રૂા.16,456.47 કરોડ ચૂકવવાના છે. તેમ જ બીએસએનએલએ રૂા.2,098.72 કરોડ અને એમટીએનએલએ રૂા.2,537.48 કરોડ ચૂકવવાના છે. 
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer