મુંબઈ હાઈ કોર્ટના સિનિયર જજ ધર્માધિકારીએ બદલી ન સ્વીકારી, રાજીનામું આપ્યું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મુંબઈ હાઈ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ સત્યરંજન ધર્માધિકારીએ એમ કહીને તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે કે મારા `અંગત અને કૌટુંબિક' કારણોસર મહારાષ્ટ્ર બહાર મારી બદલી થાય એવું ઇચ્છતો નથી.
શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં ન્યાયમૂર્તિ ધર્માધિકારીએ જણાવ્યું હતું કે મને અન્ય રાજ્યની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે બઢતી આપવામાં આવી હોવાથી મે રાજીનામું આપ્યું છે કારણ કે મને મુંબઈ છોડવું નથી. `માત્ર અંગત અને પારિવારિક કારણોસર જ મારે રાજીનામું આપવું પડયું હતું. હું મુંબઈ છોડવા માગતો નથી અને તેઓ મને મુંબઈ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવા માગતા નહોતા.' એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ગુરુવારે સાંજે મેં રાષ્ટ્રપતિને રાજીનામું મોકલી આપ્યું છે.
તેમનું રાજીનામું સ્વીકારાયું કે નહીં તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ ન્યાયમૂર્તિ ધર્માધિકારીએ શુક્રવારે કોર્ટમાં ધારાશાત્રીઓને કહ્યું હતું કે અૉફિસમાં આજે મારો આખરી દિવસ છે અને 17 ફેબ્રુઆરી સોમવારથી હું નહીં મળું.'
તેમણે કહ્યું હતું કે મુંબઈમાં મારે કેટલીક અંગત જવાબદારીઓ છે આથી મહારાષ્ટ્ર બહાર હું જવા માગતો નથી.
ન્યાયમૂર્તિ ધર્માધિકારી 14 નવેમ્બર, 2003ના રોજ મુંબઈ હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ બન્યા હતા અને 2022માં તેઓ નિવૃત્ત થવાના હતા.
ધારાશાત્રીઓના પરિવારમાં જન્મેલા ધર્માધિકારીએ 1983માં ધારાશાત્રી તરીકે નામ નોંધાવ્યું હતું.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer