પુંચમાં પાક સેનાનો ભારે ગોળીબાર : એકનું મૃત્યુ

પુલવામા હુમલાની વરસીએ નાપાક હરકત : મોર્ટારથી રહેણાક વિસ્તારને નિશાન બનાવ્યા
દિલ્હી, તા. 14 : પુલવામા આતંકી હુમલાની પહેલી વરસીએ પાકિસ્તાન તરફથી સરહદે નાપાક હરકત કરવામાં આવી છે. પાકિસ્તાની રેન્જર્સ તરફથી કાશ્મીરના પુંચ સેક્ટરમાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એક ગ્રામીણનું મૃત્યુ થયું હતું. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચતા નજીકની હોસ્પીટલમાં દાખલ કરવામા આવ્યા હતા. 
અધિકારીઓના કહેવા પ્રમાણે પાકિસ્તાની સેનાએ જીલ્લાના શાહપુર અને કરની વિસ્તારમાં રહેણાંક વિસ્તાર અને ફોરવર્ડ પોસ્ટને નિશાન બનાવીને મોર્ટારમારો કર્યો હતો અને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને રહેણાંક વિસ્તારને નિશાન બનાવવા માટે 120 એમએમના મોર્ટારનો ઉપયોગ કર્યો હતો. આ અગાઉ 8 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો. જો કે આ મામલે ભારતીય સેના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી.

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer