પુલવામા હુમલાની તપાસનું શું થયું,

કોને ફાયદો થયો : રાહુલ ગાંધીના સવાલ
ભાજપે કહ્યું, ગાંધી પરિવાર ફાયદાથી આગળ નથી વિચારતો
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા.14 : કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની પહેલી વરસીએ આજે સમગ્ર દેશ સીઆરપીએફના 40 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે ત્યારે આ મામલે કમનસીબ રાજકારણ શરૂ થયું છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સંસદસભ્ય રાહુલ ગાંધીએ પુલવામા હુમલા સંબંધે મોદી સરકારને ત્રણ સવાલ પૂછ્યા અને ભાજપે તેના જવાબમાં રાહુલ ગાંધી લશ્કર-એ-તૈબા અને જૈશ-એ-મોહંમદ જેવા આતંકવાદી સંગઠનો પ્રત્યે સહાનુભૂતિ રાખતા હોવાનો આક્ષેપ કર્યો છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ ટ્વીટ કરીને રાહુલ ગાંધી સામે નિશાન સાધતા કહ્યું હતું કે પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો અને આનાથી કોને ફાયદો થયો એવો (રાહુલ ગાંધીનો) સવાલ નિર્દયી છે. અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે પુલવામા હુમલાની તપાસનું શું થયું? આખરે આ હુમલાથી ફાયદો કોને થયો? 
ભાજપ તરફથી જણાવાયું હતું કે પુલવામા સંબંધે રાહુલ ગાંધીની ટિપ્પણીઓ દેશ માટે જાન ન્યોચ્છાવર કરનારા શહીદોનું અપમાન છે. તૈબા અને જૈશ જેવાં આતંકવાદી સંગઠનો પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા મનાતા રાહુલ ગાંધીએ આવા બેહૂદા સવાલો કરીને સરકાર જ નહીં દેશનાં સુરક્ષા દળો સામે પણ નિશાન સાધ્યું છે. પાત્રાએ કહ્યું હતું કે ગાંધી પરિવાર ફાયદાથી આગળ કંઇ વિચારી જ નથી શકતો. તેઓ (રાહુલ ગાંધી) માત્ર શરીરથી જ નહીં આત્માથી પણ ભ્રષ્ટ થઇ ચૂક્યા છે.
Published on: Sat, 15 Feb 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer