કાશ્મીર મુદ્દે તુર્કીનું દોઢડહાપણ!

તુર્કી પ્રમુખ એર્દોગાનની પાકને સમર્થનની જાહેરાત
નવી દિલ્હી, તા. 14 : તુર્કીના પ્રમુખ રિસેપ તૈયબ એર્દોગાન કાશ્મીર મુદે્ દોઢડાહ્યા બન્યા છે. પાકિસ્તાનની બંને સંસદને સંબોધિત કરતાં તેમણે ભારત સાથેના સંબંધો ઓર ખરાબ બની શકે એવા નિવેદનો આપ્યા છે. એર્દોગાને જણાવ્યું હતું કે કાશ્મીરમાં અત્યાચાર થઈ રહ્યા છે અને તેઓ ચૂપ રહી શકે નહીં. તુર્કીના પ્રમુખ એર્દોગાને પાક વડાપ્રધાન ઈમરાન ખાનને વિના શરત સમર્થન આપવાનું વચને આપી દીધું હતું. 
એર્દોગાને જણાવ્યું હતું કે મારા કાશ્મીરી ભાઈ બહેનો ઘણા સમયથી અત્યાચારો સહન કરી રહ્યા છે. હાલમાં ઉઠાવાયેલા એકતરફી પગલાંથી તેમની પીડા વધી ગઈ છે. 
તુર્કીના પ્રમુખે કહ્યું હતું કે પાકિસ્તાન અને તુર્કીના સંબંધો અન્ય દેશો માટે ઉદાહરણરૂપ બની ગયા છે. કોઈ જમીન પર લીટી ખેંચીને બનાવી દેવાયેલી સીમા ઈસ્લામના અનુયાયીઓને વિભાજિત કરી શકે નહીં.
એર્દોગાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ નિશાન તાકીને જણાવ્યું હતું કે, મધ્યપૂર્વમાં અમેરિકાની શાંતિ યોજના ખરેખર આક્રમક નિયત છે. મુસ્લિમો જે સ્થળોએ મોતને ભેટી રહ્યા છે ત્યાં મુસ્લિમ દેશોએ એક થવાની જરૂર છે. 
તુર્કીના પ્રમુખે પાકિસ્તાનને આતંકવાદનો સૈથી મોટો શિકાર દેશ પણ બતાવી દીધો હતો! ઈમરાન ખાન તેમજ અન્ય સાંસદોની તાળીઓ વચ્ચે તેમણે એમ પણ કહી દીધું હતું કે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ(એફએટીએફ)ની બેઠકમાં તેઓ પાકને વિના શરત સમર્થન આપશે. તમારી પીડા એ મારી પીડા છે. પાકિસ્તાન પ્રગતિની દિશામાં છે અને તુર્કી તેમને સહયોગ આપતું રહેશે.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer