સુપ્રીમ કોર્ટમાં રેઢા પડેલા થેલામાંથી `બીપ-બીપ'' અવાજ

બૉમ્બ-બૉમ્બની થઈ બૂમાબૂમ!
નવી દિલ્હી, તા. 14 : સુપ્રીમ કોર્ટમાં આજે એક લાવારિસ થેલામાં રહેલી પાવર બેન્કમાંથી `બીપ...બીપ...' અવાજ આવતો હોવાનાં કારણે બોમ્બ હોવાની અફવા ફેલાઈ ગઈ હતી અને ભારે હડકંપ મચી ગયો હતો. 
આજે સુપ્રીમ કોર્ટમાં નિર્ભયા અને ટેલીકોમ કંપનીઓનાં એજીઆર સહિત અનેક મહત્વનાં કેસોની સુનાવણી થવાની હતી. ભારે ચહેલ-પહેલ વચ્ચે રેઢા પડેલા એક થેલામાંથી અવાજ આવતાં સુરક્ષાકર્મીઓ તુરંત હરકતમાં આવી ગયા હતાં અને ભાગમભાગ મચી ગઈ હતી. સુપ્રીમ કોર્ટની કોર્ટ-4ને બહારથી ઘેરી લેવામાં આવી હતી. ભારે દહેશતભર્યા વાતાવરણમાં બેગને એક ખુલ્લી જગ્યાએ લઈ જઈને સાવધાનીપૂર્વક ખોલવામાં આવી અને કોથળામાંથી બિલાડું નીકળ્યા જેવો હાશકારો થયો હતો. સુરક્ષાકર્મીઓએ થેલો ખોલ્યો તો તેમાંથી એક પાવર બેન્ક નીકળી હતી. જેમાંથી બીપ-બીપ અવાજ આવી રહ્યો હતો.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer