રેલવેમાં તત્કાળ ટિકિટ કૌભાંડ આચરનારા 300 એજન્ટની ધરપકડ

બે દિવસમાં રેલવે સુરક્ષા દળના  દરોડા : 21 લાખ રૂપિયાની ટિકિટ કબજે
નવી દિલ્હી, તા. 14: રેલવેની તત્કાળ ટિકિટ બુકિંગમાં કૌભાંડમાં આચરનારી ટોળકીનો પર્દાફાશ બે અઠવાડિયા અગાઉ થયો હતો. આ કૌભાંડને લઈને રેલવે સુરક્ષા દળે હવે દેશભરમાં અલગ અલગ સ્થળે દરોડા પાડીને 300 એજન્ટની ધરપકડ કરી છે જેમાં 48 એજન્ટ મુંબઈનાં છે. ધરપકડ કરવામાં આવેલા એજન્ટ પાસેથી 31 લાખ રૂપિયાની ટિકિટ પણ કબજે કરવામાં આવી છે. આ લોકો ઓનલાઈન સિસ્ટમમાં ખોટી રીતે ટિકિટ બુક કરી લેતાં હતા અને તેને મોંઘા ભાવે વેંચતા હતા. 
મળતી વિગત પ્રમાણે ધરપકડ કરવામાં આવેલા તમામ 300 એજન્ટ આઈઆરસીટીસીથી માન્યતા પ્રાપ્ત કરેલા છે. કૌભાંડ આચરવા માટે શખસો આઈઆરસીટીસીનાં યૂઝર આઈડી અને પાસવર્ડ સાથે ફર્જી આઈડીનો ઉપયોગ કરતા હતા. ગેરકાયદે સોફ્ટવેરના ઉપયોગથી કુલ ઉપલબ્ધ ટિકિટની અડધાથી વધુ ટિકિટ માત્ર 50 સેકન્ડમાં જ બુક કરી લેતાં હતા. 
આરપીએફના મહાનિર્દેશક અરુણ કુમારે કહ્યું હતું કે, સિસ્ટમમાં ગડબડ કરીને ટિકિટ બુક કરતા લોકો સામે એક્શન યથાવત રહેશે. માત્ર બે દિવસમાં જ 300 એજન્ટની ધરપકડ થઈ છે. સેન્ટ્રલ રેલવેએ અત્યાર સુધીમાં11 લાખ રૂપિયાની ટિકિટ કબજે કરી છે જ્યારે વેસ્ટર્ન રેલવેએ 10 લાખ રૂપિયાની કિંમતની ટિકિટો બરામત કરી છે.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer