કચ્છને પાણી માટે માત્ર જાહેરાતો

જળ સંચય એ જ સાચો વિકલ્પ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : કચ્છમાં ખેતી અને પીવા માટેનું ભૂગર્ભમાંથી ખેંચવામાં આવે છે જેમાં ટીડીએસ (ખારાશ)નું પ્રમાણ વધારે છે. ચોમાસાનો પાણીનો સંગ્રહ કરાય તો જ શુદ્ધ પાણી મળી શકે તેમ છે અને પાણીની ખેંચ પણ દૂર થાય.
આ માહિતી આપતાં કચ્છ જળ સંચય અભિયાનના કન્વીનર કિશોર ચંદને જણાવ્યું છે કે, કચ્છમાં ભૂગર્ભ જળ સ્તર 500થી 1000 ફીટ નીચે ઊતરી ગયું છે. જેમાં 3000થી 6000 ટીડીએસ (ક્ષાર) છે. કચ્છમાં પીવાનાં પાણીના 5800 બોર અને ખેતીવાડીના બોર 58,000 છે. જેના દ્વારા લાખો લિટર પાણી રોજ ખેંચાય છે.
કચ્છમાં 13 હજાર તળાવ, 168 નાના સિંચાઈ ડેમ અને 20 મધ્યમ સિંચાઈના ડેમ છે અને તળાવો છે જે ચાર વર્ષમાં પાંચ ઇંચ વરસાદના ધોરણે બન્યાં છે, પરંતુ ઉદ્યોગ અને નવાં બાંધકામોનાં કારણે પાણીનો વપરાશ ઘણો વધ્યો છે.
તળાવ ડેમના ખાણેગાની જરૂર બે કારણોસર ઊભી થઈ છે. એક તો સરેરાશ વરસાદ વધ્યો છે. બીજું દેશી નળિયાં બનાવવાનું બંધ થયું. દિવાળીનાં રમકડાં, તાવડી કે માટલાં બનાવવાનું ઓછું થઈ ગયું છે. તેથી તળાવમાંથી માટી કાઢવાનું બંધ થતાં તળાવ-ડેમમાં માટીનું પ્રમાણ વધી ગયું છે.
સરકારે કચ્છ માટે પાણી યોજનાની જાહેરાતો કરી, પણ યોજના અમલી બની શકી નહિ. જેમ કે, સિંધુનું પાણી, મચ્છુ ડેમનું પાણી, રાજસ્થાન કેનાલમાંથી પાણી કચ્છને ફાળવવાના પ્રયાસો થયા પણ અમલમાં કઈ આવ્યું નથી. નર્મદા-યોજનાનું પાણી 4 ટકા મળવું જોઈએ તેના બદલે માત્ર 0.15 ટકા જ ભાગમાં આવ્યું.
કિશોર ચંદને અંતમાં જણાવ્યું કે કચ્છને નંદનવન બનાવવું હોય તો તળાવ-ડેમની આવ સાફ થવી જોઈએ. તળાવ 5થી 10 મીટર ઊંડાં થવા જોઈએ. જૂના કૂવા અને બોર રિચાર્જ કરવા જોઈએ. અધૂરામાં પૂરું કચ્છમાં નર્મદાનાં પાણી આવે છે... આવે છેની બૂમો ઊઠી તેથી 1980 પછી નાની સિંચાઈ કે મધ્યમ સિંચાઈના એક પણ ડેમ બન્યા નથી.
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer