કંડક્ટર વગરની બસને લીધે મફતિયાઓને મજા

કંડક્ટર વગરની બસને લીધે મફતિયાઓને મજા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : `બેસ્ટ' પ્રશાસને છેલ્લા કેટલાક દિવસથી શરૂ કરેલી કંડક્ટર વગરની બસસેવાને લીધે મફતિયાઓને મજા પડી ગઈ છે. પરંતુ બીજી બાજુ હજારો પ્રવાસીઓને મુશ્કેલી થઈ રહી છે. તેમજ બેસ્ટને આર્થિક નુકસાન પણ થાય છે. પ્રશાસને બેસ્ટ સમિતિના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર યોજનાનો અમલ કર્યો હોવાથી સર્વપક્ષના નેતાઓએ બેસ્ટ સમિતિની બેઠકમાં પ્રશાસન પર પ્રહાર કર્યો હતો. 
ખર્ચ ઓછો કરવાના ઉદેશથી બેસ્ટે કંડક્ટર વગરની બસો શરૂ કરી છે. તેમાં બેસ્ટની માલિકીની 212 અને ભાડાં પર લીધેલી 300 બસો કંડક્ટર વગર 76 માર્ગ પર ચલાવવામાં આવી રહી છે. ભાડા પર લીધેલી એક જ દરવાજા વાળી બસ સીધી નક્કી કરેલા સ્ટોપે જઈને ઊભી રહે છે. આ બસોમાં અનેકવાર સીટો ખાલી હોય છે પણ કંડક્ટર ન હોવાથી પ્રવાસીઓને બસમાં ચડવા દેવામાં નથી આવતા. એટલે ક્ષમતા હોવા છતાં પ્રવાસીઓ બેસી શકતા નથી અને બેસ્ટને આર્થિક નુકસાન થાય છે. તેમજ આ સમયે બસ સ્ટોપ પર બસની રાહ જોતા પ્રવાસીઓની આંખ સામેથી ખાલી બસ પસાર થાય એટલે પ્રવાસીઓને પણ ત્રાસ થાય છે, જ્યારે બેસ્ટની બસોમાં બે દરવાજા હોવાથી ટ્રાફિકમાં કે ગરદીના સમયમાં પ્રવાસીઓ પાછલા દરવાજેથી ચડે છે અને ટિકિટ લીધા વગર જ પ્રવાસ કરીને ઊતરી જાય છે. એટલે પ્રશાસને આ યોજના જો ચાલુ રાખવી હોય તો તેના યોગ્ય ઉપાય કરવા જોઈએ. જેથી બેસ્ટને નુકસાન ન થાય, તેવી માગણી બેસ્ટ સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી. 
કંડક્ટર વગરની બસ યોજનાને લીધે અનેક જગ્યાએ કર્મચારીઓ માટે કામ ન હોવાથી તેમને કોલાબા, મુંબઈ સેન્ટ્રલ ડેપોમાં `ગ્રાઉન્ડ બુકિંગ'નું કામ સોપવામાં આવે છે, તે બાબતે ધ્યાન ખેંચવામાં આવ્યું હતું. તેમજ જો આ યોજનામાં થતું નુકસાન ટાળવું હોય તો ભાડાની બસોમાં જ તેનો અમલ કરો અથવા ડ્રાઈવરના હાથમાં બધું જ નિયંત્રણ આપી દેવામાં આવે તેવું સૂચન ભાજપના એક નેતાએ આપ્યું હતું. બીજા નેતાઓએ પણ આ યોજનામાં સુધારા કરવાની માગણી કરી હતી. આ પાર્શ્વભૂમિ પર યોજના શરૂ થઈ ત્યારથી સંબંધિત માર્ગ પર બેસ્ટની બસોના આવકનો અહેવાલ રજૂ કરવો તેવો આદેશ બેસ્ટ સમિતિના અધ્યક્ષ અનિલ પાટણકરને પ્રશાસને આપ્યો છે. 
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer