કેજરીવાલે શપથવિધિમાં વડા પ્રધાનને આમંત્રણ આપ્યું

કેજરીવાલે શપથવિધિમાં વડા પ્રધાનને આમંત્રણ આપ્યું
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : `આપ'ના સુપ્રીમો અને દિલ્હીના ત્રીજી વાર મુખ્ય પ્રધાન બની રહેલા અરવિંદ કેજરીવાલે રવિવારે રામ લીલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારી પોતાની શપથવિધિમાં હાજર રહેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ આપીને અરવિંદ કેજરીવાલે વડા  પ્રધાન પ્રત્યેના પોતાના માનનું પ્રદર્શન કર્યું છે. પોતાના ચૂંટણીપ્રચારમાં પણ અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન પર કોઈ પ્રહારો કર્યા ન હતા. કારણ કે તેમને ખબર હતી કે આમ કરવાથી પાસા ઊલટા પડી શકે. તેમણે માત્ર વિકાસને લગતા મુદ્દા ઉઠાવ્યા હતા અને 62 બેઠકો જીતીને સત્તા મેળવી હતી.
આ ઉપરાંત વડા પ્રધાનને આમંત્રણ આપીને કેજરીવાલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સારા સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. જોકે, વડા પ્રધાન રવિવારે દિલ્હીમાં નથી. કારણ કે તેઓ વારાણસીની મુલાકાત લેવાના છે, પરંતુ કેજરીવાલ દિલ્હીની જનતાને એવો સંદેશ પહોંચાડવા માગે છે કે તેમણે વડા પ્રધાનને આમંત્રણ આપ્યું હતું.
દિલ્હીની સફળતા માટે કેજરીવાલને શુભેચ્છા આપવા વડા પ્રધાને ટ્વીટ કર્યું હતું : `િદલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિજય બદલ આપ અને શ્રી કેજરીવાલને અભિનંદન. દિલ્હીના લોકોની અપેક્ષાઓ પૂરી કરવા તેમને શુભેચ્છા.'
વડા પ્રધાનની શુભેચ્છાને સ્વીકારતા કેજરીવાલે સામો ટ્વીટ કર્યો હતો. `તમારો આભાર સર? રાજધાનીને વિશ્વ કક્ષાનું શહેર બનાવવા હું કેન્દ્ર સાથે કામ કરવા આગળ આવવા માગું છું.'
આપના નેતા ગોપાલ રાયે અગાઉ જ સ્પષ્ટતા કરી દીધી હતી કે, કેજરીવાલની શપથવિધિમાં કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાન કે રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી, માત્ર લોકસભાના દિલ્હીના ભાજપના સાત સાંસદો ભાજપના 8 વિધાન સભ્યો અને આપના 62 વિધાનસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
શુક્રવારે કેજરીવાલે દિલ્હીનાં અખબારોમાં આખા પાનાની જાહેરાત આપી હતી જેમાં તેમણે દિલ્હીનો આભાર માન્યો હતો અને 16 ફેબ્રુઆરીના શપથવિધિ સમારોહમાં હાજર રહેવા દિલ્હીવાસીઓને આમંત્રણ આપ્યું હતું.
Published on: Sat, 15 Feb 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer