ગુજરાત ફરી કાપડનું માન્ચેસ્ટર બનશે : નીતિન પટેલ

ગુજરાત ફરી કાપડનું માન્ચેસ્ટર બનશે : નીતિન પટેલ
મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા ગાંધીનગરમાં ફેબેક્સા-2નો આરંભ : આર્થિક અખબાર `વ્યાપાર' મીડિયા પાર્ટનર
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14 : ગુજરાતની ઉદાર ઔદ્યોગિક નીતિ અને કાપડ નીતિને લીધે સ્પીનિંગથી ગારમેન્ટ સુધીના ક્ષેત્રમાં તમામ સાહસિકો મોટાં પ્રમાણમાં મૂડીરોકાણ કરી રહ્યાં છે. એ જોતા ગુજરાત ફરીથી કાપડના માન્ચેસ્ટર તરીકે ઊભરી આવશે તેમ મસ્કતી કાપડ માર્કેટ મહાજન આયોજિત ફેબેક્સા-2નો આરંભ કરાવતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું. 
તેમણે ઉમેર્યું કે વિદેશથી ખરીદ કરાયેલા ગામેન્ટ મેડ ઇન ઇન્ડિયા હોય છે અને હવે તે પણ ગુજરાતમાં બનેલા હોય છે એ ઉદ્યોગ આગળ ધપી રહ્યાની નિશાની છે.
ફેબેક્સા-2 ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજવામાં આવ્યું છે જે તા 17 સુધી ચાલશે. `જન્મભૂમિ' જૂથનું આર્થિક અખબાર `વ્યાપાર ગુજરાતી' અને `વ્યાપાર હિન્દી' મીડિયા પાર્ટનર છે.  
નીતિનભાઇએ કહ્યું કે, ગુજરાતમાં સ્પીનિંગ મિલો વધી રહી છે. યાર્નમાં ગુજરાત મોખરે છે. સરકારે ગયા વર્ષે રૂા. 2600 કરોડના ખર્ચે પ્રદૂષિત પાણીના નિકાલ માટે દરિયામાં પાઇપલાઇન નાંખી છે. એનાથી ફાયદો થયો છે. ટેક્સટાઇલ વિભાગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સંભાળે છે અને દર દસ પંદર દિવસે સમીક્ષા પણ કરે છે તેમ ઉમેર્યું હતું.
પ્રદર્શનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપી છે. તેમણે પાઠવેલા સંદેશમાં કાંચીપૂરમના સિલ્ક, બનારસ, પશ્મીના, મુસ્લીન, ચીકનવર્ક, હેન્ડવૂવન અને ગુજરાતના પટોળાને યાદ કર્યા હતા. ટેક્સટાઇલ ક્ષેત્ર કૃષિ અને ઉદ્યોગ વચ્ચે પુલ સમાન છે અને તેનાથી મોટી રોજગારી મળે છે એટલે ટેક્સટાઇલ નીતિ સરકાર દ્વારા ઉદાર બનાવવામાં આવે છે તેવું જણાવ્યું હતું.
મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે ઉદ્ઘાટન વખતે કહ્યું કે, કાપડના વેપારમાં મહત્તમ ફાયદો ગુજરાતને થાય તેવા પ્રયત્નો અમારા રહ્યા છે. બહારથી આશરે 600 જેટલા વેપારીઓ ફેબેક્સામાં આવવાની ધારણા છે એની ખરીદીનો લાભ અમદાવાદના કાપડ ઉદ્યોગને પ્રાપ્ત થશે. આ તકે ઉપસ્થિત જીએસસી બૅન્કના અજય પટેલે કહ્યું કે, સરકારની ટેક્સટાઇલ નીતિને લીધે ગુજરાતમાં મોટી કંપનીઓ આવી રહી છે તેનો ફાયદો ઉદ્યોગને મળશે. 
ફેબેક્સા-2ના ઉદ્ઘાટનવેળા ગુજરાત ચેમ્બરના પ્રમુખ દુર્ગેશ બૂચ, એટીપીએના ચૅરમૅન નીતિન ઠક્કર, જિંદાલ જૂથના ચૅરમૅન ડૉ. યમુનાપ્રસાદ અગ્રવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનમાં દેશની ટોચની ગારમેન્ટ અને ટેક્સટાઇલ કંપનીઓના વડા હાજર રહ્યા છે. એ ઉપરાંત અનેક રાજ્યોમાં કાપડ ઉદ્યોગના અગ્રણીઓ આવ્યા છે. 
Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer