રાજકુમાર રાવ અને ક્રીતિ સેનન માતાપિતા દત્તક લેશે!

રાજકુમાર રાવ અને ક્રીતિ સેનન માતાપિતા દત્તક લેશે!
આજે યુવાયુગલોને માતાપિતા સાથે રહેવું ફાવતું નથી અને તેમના વગર ગમતું નથી. બસ, આ જ એક લીટી પરથી વિસ્તૃત વાર્તા બનાવીને નિર્માતા દિનેશ વિજન ફિલ્મ લાવી રહ્યા છે. આ ફિલ્મનું શીર્ષક નક્કી નથી થયું પરંતુ તેમાં અનાથ દંપતી માતાપિતા દત્તક લે છે અને ત્યાર બાદ તેમના જીવનમાં જે ઊથલપાથલ થાય છે તે જોવા જેવી હશે. ફિલ્મમાં અનાથ દંપતીની ભૂમિકા રાજકુમાર રાવ અને ક્રીતિ સેનન ભજવે છે. જ્યારે વૃદ્ધ દંપતી તરીકે ડિમ્પલ કાપડિયા અને પરેશ રાવલ હશે. નોંધની છે કે દિનેશે અકાળે પડતી ટાલનો વિષય લઇ બાલા, લિવ ઇન રિલેશનશિપ દર્શાવતી લુકાછુપી, બાળકોને કયા માધ્યમમાં શિક્ષણ આપવું તે વિશે હિન્દી મીડિયમ અને આગામી અંગરેઝી મીડિયમ બનાવી છે. 
દિનેશે કહ્યું હતું કે, વાસ્તવિક જીવનની ઘટનાઓ પરથી અમે ફિલ્મ બનાવવાના વિચારો લઇએ છીએ. જો કે, આ નવી ફિલ્મનો વિચાર સત્ય ઘટના પર આધારિત નથી. તેમાં અમારી કલ્પના કામ કરી ગઇ છે અને તે વિચારને કોમેડી સાથે રજૂ કરવામાં આવશે. હું રાજકુમાર અને ક્રિતી એક બીજી ફિલ્મ વિશે વાત કરવા મળ્યા હતાં, પરંતુ તેનું કશું ન થયું અને મેં આ વિચાર રજૂ કરતાં બંનેએ પટકથા જોયા વગર જ ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી.
દિનેશની આ આગામી ફિલ્મથી ગુજરાતી દિગ્દર્શક અભિષેક જૈન હિન્દી ફિલ્મમાં પ્રવેશી રહ્યા છે. અભિષેકે ગુજરાતી ફિલ્મ `બે યાર' અને `કેવી રીતે જઇશ' બનાવી છે. દિનેશે ઉમેર્યું હતું કે, અમે નવોદિત દિગ્દર્શકને તક આપીએ છીએ. ત્રી અને બાલા માટે અમર કૌશિક, લક્ષ્મણ ઉટેકરની લુકાછુપી અને આગામી ફિલ્મ મીમી (જેનું શૂટિંગ ચાલુ છે) આપી. હવે અભિષેક વૃદ્ધ વડીલ અને યુવા દંપતી વચ્ચેની રોલરકોસ્ટર રાઇડ દેખાડશે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer