સ્ટેપ અપ ટુ'' ફેમ રોબર્ટ હોફમેન મુંબઇમાં

સ્ટેપ અપ ટુ'' ફેમ રોબર્ટ હોફમેન મુંબઇમાં
હાલમાં ભારત આવતાં હોલીવૂડના કલાકારોની સંખ્યા વધી ગઇ છે. થોડા દિવસ અગાઉ હોલીવૂડ સ્ટાર દેવ પટેલ પોતાની આગામી ફિલ્મ મંકી મેનના લોકેશનની રેકી કરવા માટે મુંબઇ આવ્યો હતો. હવે અમેરિકન એકટર-ડાન્સર-કોરિયોગ્રાફર રોબર્ટ હોફમેન મુંબઇમાં આવ્યો છે. 2008ની ડાન્સ ફિલ્મ સ્ટેપ અપ ટુ: ધ સ્ટ્રીટસના ચેઝ કોલિન્સ તરીકે જાણીતા રોબર્ટને ભારતમાં લાવવામાં નાટક એન્ગ્રી ઇન્ડિયન ગોડેસનાં સહલેખિકા અર્સલા કુરેશીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અર્સલાએ કહ્યું કે, મારા ફ્રેન્ડ જસ સાગુ સાથે ત્રણ મહિના લોસ એન્જલસ રહી હતી ત્યારે રોબર્ટ સાથે મારી મુલાકાત થઇ હતી. તે સમયે તેણે ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 
મુંબઇ આવેલો રોબર્ટ અર્સલા દિગ્દર્શિત મ્યુઝિક વીડિયો આગ કા ગોલા એલએ, જેમાં જસ અને રોબર્ટ છે તેનું પ્રમોશન પણ કરશે. બે અઠવાડિયા સુધી ભારતમાં રહેનારી અર્સલા રોબર્ટને મુંબઇમાં ફેરવવાની ઇચ્છા ધરાવે છે. તેણે કહ્યું હતું કે, મારી ઇચ્છા તો તેને જયપુર સહિત રાજસ્થાનનાં અન્ય શહેરોમાં ભારતીય સંસ્કૃતિ અને ધરોહર દર્શાવવાની છે. કદાચ તે પોતાનો પ્રવાસ લંબાવે પણ ખરો. તેણે બોલીવૂડની અભિનેત્રીને મળવાનું પણ કહ્યું હતું. 
અર્સલાએ પોતાના એક શૂટિંગ અનુભવને યાદ કરતાં ઉમેર્યું હતું કે, સાન્ટા મોનિકામાં શૂટિંગ બાદ ડિનર લેવા માટે રોબર્ટ દક્ષિણ ભારતીય રેસ્ટોરાંમાં ગયો હતો અને પનીર ઢોસા મગાવ્યા હતા. આના પરથી મને ખ્યાલ આવ્યો હતો કે તે પ્રયોગ કરવા તૈયાર છે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer