પ્રથમ ટેસ્ટમાં ઇશાંત અને પૃથ્વીને તકનો સંકેત આપતો કપ્તાન કોહલી

પ્રથમ ટેસ્ટમાં ઇશાંત અને પૃથ્વીને તકનો સંકેત આપતો કપ્તાન કોહલી
વેલિંગ્ટન, તા.19: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે એવો સંકેત આપ્યો હતો કે અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા અને યુવા ઓપનિંગ બેટસમેન પૃથ્વી શોનો ન્યુઝીલેન્ડ સામેના પહેલા ટેસ્ટની ઇલેવનમાં સમાવેશ થઇ શકે છે. બુધવારે થયેલ નેટ પ્રેકટીસ પરથી એવું કહી શકાય કે શ્રેણીના પહેલા ટેસ્ટમાં રિધ્ધિમાન સાહા વિકેટકીપર તરીકે ઋષભ પંતની જગ્યા લઇ શકે છે. જ્યારે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા ત્રણ વિશેષજ્ઞ ઝડપી બોલર તરીકે લગભગ હશે. હનુમા વિહારી છઠ્ઠા બેટધર અને પાંચમા બોલરની જવાબદારી સંભાળી શકે છે. જયારે એકમાત્ર સ્પિનર તરીકે ભારતીય ઇલેવનમાં આર. અશ્વિન હશે. આમ છતાં રવીન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડરના રૂપને નજરઅંદાજ થઇ શકે તેમ નથી. 
પત્રકાર પરિષદમાં કોહલીએ કહયું હતું કે તે (ઇશાંત) પહેલાની જેમ જ બિલકુલ સામાન્ય છે. ઇજા પછી તે પહેલાની જેમ બોલિંગ કરી રહ્યો છે. તે ન્યુઝીલેન્ડમાં પહેલા બોલિંગ કરી ચૂકયો છે. તેનો અનુભવ અમારા માટે લાભકારક રહેશે. કોહલીએ કહયું અમે પૃથ્વીની નૈસર્ગિક બેટિંગમાં બદલાવ નથી ઇચ્છતા. તે એક પ્રતિભાશાળી ખેલાડી છે. તેની પાસે રમવાની તેની ખુદની સ્ટાઇલ છે. યુવા ખેલાડીઓ પર સારા પ્રદર્શનનું કોઇ દબાણ નથી. મયંકે જે રીતે ઓસ્ટ્રેલિયામાં દેખાવ કર્યોં હતો તેવો પૃથ્વી ન્યુઝીલેન્ડમાં કરી શકે છે. આ તકે કોહલીએ એમ પણ કહયું કે ત્રણ મેચની વન ડે શ્રેણીના પરાજયનું દબાણ ટીમ અનુભવતી નથી. 
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer