કિવિઝ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની કઠિન કસોટી : કાલથી પહેલી ટેસ્ટ

કિવિઝ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની કઠિન કસોટી : કાલથી પહેલી ટેસ્ટ
ન્યૂ ઝીલૅન્ડની બાઉન્સી વિકેટ ભારત માટે હંમેશાં પડકારરૂપ રહી છે: મૅચનો પ્રારંભ શુક્રવારે સવારે 4-00 વાગ્યાથી થશે
વેલિંગ્ટન, તા.19: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલમાં રમવાની સૌથી મોટી દાવેદાર ટીમ ઇન્ડિયા હવે તેની સૌથી મુશ્કેલ પરીક્ષા તરફ છે. વિરાટ કોહલીની ટીમને શુક્રવારથી ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ તેનાં જ ઘરમાં બે ટેસ્ટની શ્રેણીના પહેલા મેચમાં સામનો કરવાનો છે. કિવિ ધરતી પર ટીમ ઇન્ડિયાને હંમેશાં આકરી ચુનૌતિ મળી છે. કિવિલેન્ડની ઝડપી પીચો બેટ અને બોલની સાથોસાથ હવાની હરકતથી પણ રમત પર તેનો પ્રભાવ છોડે છે. સીમ-સ્વિંગ બોલિંગ હંમેશાં ભારતીય ક્રિકેટ ટીમ માટે પડકાર રહ્યો છે. મેચનો પ્રારંભ ભારતીય સમય અનુસાર શુક્રવારે વહેલી સવારે 4-00 વાગ્યાથી થશે.
શુક્રવારે જયારે વિરાટ એન્ડ કું. વેલિંગ્ટનમાં બે ટેસ્ટની સિરિઝનો પ્રારંભ કરવા મેદાને ઉતરશે ત્યારે તેના માઇન્ડમાં આ બધી ચીજો હશે. અહીં લાલ દડાથી ચેલેન્જનું કમ્પલિટ પેકેજ મળે છે. અહીં ઠંડી હવા ફૂંકાઇ છે. સ્વિંગ થતાં બોલ બેટ્સમેનોની પરીક્ષા લે છે. એવામાં અનુભવી સુકાની વિરાટ કોહલી અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા-અજિંકયા રહાણે સિવાયના બાકીના બેટધરોએ તેમના સાહસ અને કૌશલનો પરિચય આપવો પડશે.
હોમ ટીમ ન્યૂઝિલેન્ડની ટીમ આ કન્ડિશનમાં રમવાની ટેવ ધરાવે છે. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ કિવિ ધરતી પર પહેલીવાર લાલ દડાથી રમવાના છે. અહીં હવા એટલી તેજ હોય છે કે સ્ટમ્પને બોલ અડયો ન હોય તો પણ બેલ્સ પડી જતા હોય છે. દરેક બોલમાં હરકત જોવા મળે છે. જેથી અમ્પાયરે પણ સતત સર્તક રહેવું પડે છે. સ્લીપના ફિલ્ડર અને વિકેટકીપરે દરેક બોલ પર કેચ લેવા તૈયાર રહેવું પડે છે.
સ્પિનર્સ માટે અહીં મુશ્કેલ સ્થિતિ રહે છે. તેમને આથી સાચી ડ્રિફ્ટ અને સાચી ફલાઇટ મળતી નથી. આથી આ શ્રેણીમાં સ્પિનર્સ કરતા ફાસ્ટ બોલર્સનું મહત્ત્વ વિશેષ રહેશે. વેલિંગ્ટનની વાત કરીએ તો અહીં એરાપલ્લી પ્રસન્ના પહેલા એવા વિદેશી સ્પિનર હતા જેમણે આ મેદાન પર 1968માં 8 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે છેલ્લે ન્યૂઝિલેન્ડની ટીમને તેમની ધરતી પર 2008-09ની શ્રેણીમાં હાર આપી હતી. વિરાટ કોહલીની ટીમ તેના ઘરમાં તો કોઇ પણ ટીમ સામે સવાશેર છે, પણ વિદેશમાં તેનું પ્રદર્શન જોઇએ તેવું પ્રભાવિત રહ્યં નથી. ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડની પાછલી ટૂર મગજમાં રાખવી પડશે, જ્યાં ભારતીય બેટધરો સીમ અને સ્વિંગ સામે નતમસ્તક થતાં જોવા મળ્યા હતા. ભારતીય ટીમનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયાને જેમ તેની ઘરતી પર પહેલીવાર ગયા વર્ષે શ્રેણી હાર આપી તેમ ન્યૂઝિલેન્ડને પણ તેની સરજમીં પર પરાસ્ત કરવાનું રહેશે.
એપ્રિલ 2017થી કિવિઝ ઘરઆંગણે અપરાજિત
ન્યૂઝિલેન્ડનો ઘરેલુ રેકોર્ડ શાનદાર છે. ડિસેમ્બર 2013થી કિવિઝ ટીમ ઘરઆંગણે 11 ટેસ્ટ શ્રેણી જીતી છે અને ફક્ત બે જ હારી છે. એપ્રિલ 2017થી તે ઘર આંગણે એક પણ ટેસ્ટ હારી નથી.
હેડ ટુ હેડ
2003-04 બાદ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે કુલ 1પ ટેસ્ટ મેચ રમાયા છે. જેમાં ટીમ ઇન્ડિયાએ સાત જીત્યા છે અને એટલા જ ડ્રો રહ્યા છે. આ દરમિયાન ભારતીય ટીમે ફક્ત એક જ ટેસ્ટ મેચમાં હાર સહન કરી છે.
કોહલીને રેકોર્ડની તક
ટીમ ઇન્ડિયાનો કપ્તાન વિરાટ કોહલી ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સદી કરવામાં સફળ રહેશે તો દ. આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડની ધરતી પર સદી કરનારો પહેલો એશિયન કેપ્ટન બની જશે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer