કિસમિસની મોસમનો પાંખી આવકોથી પ્રારંભ

કિસમિસની મોસમનો પાંખી આવકોથી પ્રારંભ
સ્મિતા જાની તરફથી
મુંબઈ, તા. 19 : કિસમિસમાં નવા પાકની આવકો થોડી થોડી શરૂ થઈ છે. જોકે, પ્રતિકૂળ હવામાનને લીધે આ વર્ષે કિસમિસની મોટા ભાગની આવકો રાબેતા કરતાં થોડી મોડી માર્ચમાં શરૂ થશે.
કિસમિસનો પાક ગયા વર્ષ જેટલો રહેવાનો અંદાજ સાંગલી તાસગાંવ બેદાણા મર્ચન્ટ ઍસોસિયેશનનાં સૂત્રોએ વ્યક્ત કર્યો છે.
કિસમિસના મુખ્ય ઉત્પાદક મથક સાંગલીમાં કિસમિસની થોડી થોડી આવકો શરૂ થઈ છે, પરંતુ હાલ તુરંત તે વેગ પકડી શકે તેમ નથી. કિસમિસની મોસમ લગભગ 1200 ગાડી (પ્રત્યેક 10 ટનની) ઉઘડતી પુરાંત સાથે શરૂ થઈ છે. સૂત્રોના જણાવવા મુજબ આ વર્ષે વરસાદ લાંબો સમય રહ્યો હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતાં હજી કિસમિસ પૂરેપૂરી સુકાઈ નથી. 
ઉઘડતી મોસમમાં મથકે કરવેરા સિવાય પ્રતિકિલો જથ્થાબંધ ભાવ રૂા. 130-180 ખુલ્યો છે. આ વર્ષે પાક સંતોષજનક થવાની ધારણા સૂત્રોએ વ્યક્ત કરી છે. હાલમાં બજારમાં જેટલો નવો માલ આવે છે તે બધો ખપી જાય છે. જોકે પાકનો પાકો અંદાજ માર્ચના આરંભમાં આવશે એમ સાંગલીના આદિત્ય કોર્પોરેશનના દીપકભાઈ ઠક્કરે જણાવ્યું હતું.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer