રોકાણ સલાહકાર - ડિસ્ટ્રિબ્યુટર્સને જુદા પાડતાં

રોકાણ સલાહકાર - ડિસ્ટ્રિબ્યુટર્સને જુદા પાડતાં
સેબીના દીવાલ ચણવાનાં પગલાંના મિશ્ર પ્રત્યાઘાત
નીતા ડી. દેસાઈ તરફથી
મુંબઈ, તા. 19 : ``એક પરિવારમાં જેમ ફેમિલી ડૉક્ટર હોય અને તેને પરિવારના તમામ લોકોના રોગ-નિદાનની ખબર હોય લગભગ તેવી જ સ્થિતિ ફાઈનાન્સિયલ પ્લાનર અથવા સલાહકારની છે. પરિવારને રોકાણ માટે કેવા પ્રોડક્ટ્સની જરૂર છે, કયા પ્રકારનો વીમો તેને જોઈશે તેનો ખ્યાલ આ પ્લાનરને હોય છે કારણકે પરિવારના સભ્યોની આવક - જાવકની તેને ખબર છે. તેથી ક્લાયન્ટ્સને કઈ બાબતની જરૂરિયાત છે તે વિશે સલાહકાર અને ક્લાયન્ટ્સ વચ્ચે સમજૂતી હોવી જરૂરી છે એવું મારું માનવું છે. 
બજાર નિયામક સિકયોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ આરઆઈએને સલાહકાર અને ડિસ્ટ્રીબ્યુટર બંનેમાંથી એકની પસંદગી કરવાનો નિયમ લાગુ કર્યો છે તે મારા મતે યોગ્ય નથી. આ નિયમથી તકરાર અને મૂંઝવણ વધશે એવું સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ પ્લાનર (સીએફપી) અને રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર (આરઆઈએ) કલ્પેશ આશરે `વ્યાપાર'ને જણાવ્યું હતું. 
આશરે કહ્યું કે નવા નિયમથી રોકાણ માટેની સલાહનો સાચો ઉદ્દેશ ગુમરાહ થઈ જશે. આરઆઈએ માટેના માપદંડ ઘણા કડક છે. વર્તમાન આરઆઈએને જેમ છે તેમ રહેવા દઈને નવા આરઆઈએ બનવા માગતા લોકો માટે જે પાત્રતાનો માપદંડ નક્કી કરાયો છે તે વધારે કડક છે. આને કારણે આ ક્ષેત્રે આવતા લોકો ઘટશે. કારણકે તેમના સ્ટાફ માટે પણ સમાન પાત્રતા નક્કી કરાઈ છે જેને કારણે તેમનો પગાર પણ વધી જાય. જો સ્ટાફ પણ સમાન પાત્રતાવાળો હોય તો તે નોકરીને બદલે પોતે જ વ્યવસાય શરૂ કરી શકે. તેથી સૈદ્ધાંતિક રીતે સેબીનો નિયમ સારો છે પણ તેને હજી સરળ કરવાની જરૂર છે. 
આરઆઈએ દ્વારા તેના ક્લાયન્ટ્સ પાસેથી લેવાતી ફી ઉપર મર્યાદા મૂકી છે જે યોગ્ય નથી એમ જણાવતાં આશરે કહ્યું કે ફાઈનાન્સિયલ પ્લાનર માટે ફીની મર્યાદા બાંધવાનું યોગ્ય નથી. આ ગ્રાહક અને સેલર વચ્ચેની સમજૂતી ઉપર આધારિત છે. 
તેમણે કહ્યું કે નાના પાયે સલાહ આપતા સલાહકારો અટકી પડશે અને નાના રોકાણકારોને પણ સમસ્યા નડશે. એક ફાયદો એ થશે કે શૅરની લે-વેચ માટે સલાહ આપતા લોકો કાબૂમાં આવી જશે. 
અત્યારે દેશમાં 1600-1700 આરઆઈએ છે તેમાંથી 800-1000 લોકો ખરેખર પ્રેક્ટિસ કરતા હશે. આશરે કહ્યું કે સેબીને રજૂ કરાયેલા કન્સલ્ટેશન પેપરમાં ઘણી રજૂઆત કરાઈ હતી તેમાંથી એક પણ બાબતનો અમલ થયો નથી. 
સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ પ્લાનર અને રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર ગૌરવ મશરૂવાલાનો મત થોડો જુદો છે. મશરૂવાલાએ `વ્યાપાર'ને કહ્યું કે ક્લાયન્ટ અને આરઆઈએ વચ્ચે પારદર્શકતા હોવી આવશ્યક છે. સલાહકાર રોકાણ પ્રોડક્ટ્સ વેચે તેમાં વાંધો નથી પણ તેમાં પરદર્શકતા મહત્ત્વની છે. બંને વચ્ચે યોગ્ય કરાર હોવા જોઈએ. તેથી ક્લાયન્ટ ખોટી જગ્યાએ ભેરવાઈ જાય નહીં અને તેના રોકાણનું તેને યોગ્ય વળતર મળે. 
મશરૂવાલાએ જૂની કહેવત ``ગાંધી - વૈદનું સહિયારું'' જણાવતાં સેબીના નવા નિયમને આવકાર્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે બે અલગ હસ્તી હોવી જોઈએ. 
સેબીએ ફી ઉપર જે ટોચ મર્યાદા મૂકી છે તે યોગ્ય નથી એમ જણાવતાં મશરૂવાલાએ કહ્યું કે આરઆઈએ રોકાણકારને રોકાણની સલાહ આપવાથી લઈને તેને વીમા બાબતે, વસિયત વિશે સલાહ આપતા હોય છે. આ માટે ક્યારેક અન્ય પ્રોફેશનલની સલાહ લેવી પડે છે. તેથી ફી માટેની ટોચ મર્યાદા અયોગ્ય છે. એ સાથે રોકાણકારે પણ તેનું માનસ બદલવું પડશે. આ માટે સમય જોઈશે. સાચી સલાહ માટેની તેણે કિંમત ચૂકવવી પડશે. પણ મર્યાદા યોગ્ય નથી. મર્યાદા મુકાશે તો ફી વસૂલવાના અન્ય વિકલ્પો લોકો શોધી લેશે.
રોકાણ સલાહકાર બનવા માટે પાત્રતાનાં ધોરણો કડક બનાવવા જરૂરી છે. તેને કારણે જ સાચા લોકો આ વ્યવસાયમાં આવી શકશે એમ જણાવતાં મશરૂવાલાએ કહ્યું કે પાત્રતાની સાથે સંબંધિત ક્ષેત્ર વિશે સતત અપડેટ થવું પણ જરૂરી છે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer