નાણાપ્રધાનના આશ્વાસનને પગલે શૅરોમાં ઉછાળો

નાણાપ્રધાનના આશ્વાસનને પગલે શૅરોમાં ઉછાળો
બૅન્કિંગ, ફાર્મા શૅરોના જોરે સેન્સેક્ષની 429 પૉઇન્ટની છલાંગ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : સ્થાનિક શૅરબજારમાં છેલ્લા સતત ચાર દિવસના ઘટાડા પછી આજે સટ્ટાકીય અને રોકાણકારોની ખરીદીને લીધે તમામ ક્ષેત્રવાર અગ્રણી શૅરોમાં સુધારો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં ચીન સિવાય તમામ બજારો મહદ્અંશે સકારાત્મક રહેવાથી બજારોમાં વેચાણો કપાયાં હતાં. સટ્ટાકીય વેચાણમાં નફાતારવણી  સાથે મિડકેપ-સ્મોલકેપમાં નીચેના મથાળે ખરીદીથી મિડ-સ્મોલ સહિત તમામ ક્ષેત્રવાર ઇન્ડેક્સ આજે સુધર્યા હતા. વૈશ્વિક બજારમાં ક્રૂડતેલમાં સતત છ દિવસના સંગીન સુધારો અને ચીન દ્વારા અર્થવ્યવસ્થામાં સુધારા માટે પ્રોત્સાહનના અહેવાલથી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા આવવાના સંકેત મળ્યા તા. કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો થયો હોવાના અહેવાલોથી સુધારાને વેગ મળ્યો હતો.
આજે શરૂઆતમાં જ નિફ્ટી અગાઉના બંધથી અંદાજે 98 પોઇન્ટ ઉપર ખૂલીને કામકાજ દરમિયાન 12135 સુધી જઈને સત્રના અંતે કુલ 133 પોઇન્ટના સુધારે 12126 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 429 પોઇન્ટ વધીને 41323 બંધ હતો. આજે સુધારામાં અગ્ર હિસ્સો એચડીએફસી રૂા. 60, એચડીએફસી બૅન્ક રૂા. 14, એચયુએલ રૂા. 62, બજાજ ફિનસર્વ રૂા. 230, બજાજ ફાઈનાન્સ રૂા. 120, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 37, આઈટીસી રૂા. 3, એસબીઆઈ રૂા. 3, એક્સીસ બૅન્ક રૂા. 8, ભારતી ઇન્ફ્રાટેલ રૂા. 15, કોલ ઇન્ડિયા રૂા. 6, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 5 અને ડૉ. રેડ્ડીસ રૂા. 38 વધ્યા હતા. જયારે સુધારા સામે ઘટનાર શૅરમાં અગ્રણી સન ફાર્મા રૂા. 5, જેએસડબ્લ્યુ સ્ટીલ રૂા. 4, ટીસીએસ રૂા. 22, તાતા મોટર રૂા. 4 અને એચસીઆઈ ટેક રૂા. 3 મુખ્ય દબાણમાં રહ્યા હતા.
આજે એનએસઈના તમામ ક્ષેત્રવાર ઇન્ડેક્સ અડધાથી 2.5 ટકા વધ્યા હતા, જેમાં બૅન્કિંગ ક્ષેત્રવાર તમામ ઇન્ડેક્સ 1 ટકા, એફએમસીજી 1.5 ટકા, ફાર્મા 2 ટકા અને મેટલ 1.5 ટકા સુધારે હતા. કન્ઝમ્પશન, કૉમોડિટી ઊર્જા સાથે સ્મોલ અને મિડકેપ ઇન્ડેક્સ 1થી 1.5 ટકા વધ્યા હતા. તમામ ક્ષેત્રે લેવાલીથી નિફ્ટીના અગ્રણી 38 શૅરના ભાવ સુધરવા સામે 12 શૅર દબાણમાં રહ્યા હતા. બીએસઈ ખાતે 1520 શૅર વધવા સામે 1009ના ભાવ ઘટયા હતા. વોડાફોનમાં સરકાર બૅન્ક ગેરંટીઓ હાલ તુરત નહીં વટાવે એવા અહેવાલોના પગલે શૅરનો ભાવ ટ્રેડ દરમિયાન 48 ટકા ઉછાળે રૂા. 4.49 ક્વોટ થયા પછી અંતે રૂા. 4.19 બંધ રહ્યો હતો.
આજના સંગીન સુધારા પછી નિફ્ટી ઉપરના પ્રથમ રેસીસ્ટન્ટ 12226ની સહેજ નીચે બંધ રહ્યો હતો. તેથી ચાલુ અઠવાડિયા માટે હવે 12089 અને 12009 મુખ્ય ટેકાની સપાટીઓ સાથે 12154 અને તેની ઉપર 12193 અને 12225ની સપાટી આવવાની સંભાવના બની છે. જોકે, નિફ્ટીના ચઢાવ-ઉતાર સામે શૅરના ભાવની વધઘટ વધુ તીવ્ર અને મહત્ત્વપૂર્ણ રહેશે.
આંતરરાષ્ટ્રીય બજારો
કોરોના વાઇરસની અસરને ઘટાડવા ચીન સરકાર સંભવત: પ્રોત્સાહન પેકેજ લાવવા વિચારશે એવા અહેવાલોએ હૉંગકૉંગ ખાતે હેંગસેંગ 126 પોઇન્ટ વધ્યો હતો. નાસ્દાક ઇન્ડેક્સ 2 પોઇન્ટ, પાન યુરોપિયન ઇક્વિટી ઇન્ડેક્સ 0.4 ટકા, એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ 0.5 ટકા અને જપાન ખાતે નિક્કીમાં 1 ટકાનો વધારો થયાના અહેવાલ છે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer