ટેક્સ્ટાઈલ પૉલિસી 2020 મધ્ય સુધીમાં જાહેર થશે

ટેક્સ્ટાઈલ પૉલિસી 2020 મધ્ય સુધીમાં જાહેર થશે
10 મેગા ટેક્સ્ટાઈલ પાર્ક ઊભા કરાશે
કોઈમ્બતૂર, તા. 19 : કેન્દ્ર સરકાર આ વર્ષની મધ્ય સુધીમાં નવી ટૅક્સ્ટાઈલ પોલિસી જાહેર કરે એવી શક્યતા છે.
કેન્દ્રીય ટેક્સ્ટાઈલ સેક્રેટરી રવી કપૂરે જણાવ્યું કે કોસ્ટ ઈફેક્ટીવનેસ મુખ્ય પડકાર છે અને તેનું કારણ સ્કેલનો અભાવ છે. નવા ઉદ્યોગોએ હવે મોટા પાયે જવું પડશે.  ટેક્સ્ટાઈલ મંત્રાલયે આ માટે 10 મેગા ટેક્સ્ટાઈલ પાર્ક સ્થાપવાની યોજના ઘડી છે. આ દરેક ઈન્ટીગ્રેટેડ પાર્ક હશે. જે રાજ્ય પાર્ક માટે ઓછામાં ઓછી 1000 એકર જમીન ફાળવવાની તૈયારી બતાવશે તેને તે વિકસાવવા કેન્દ્ર પૂરતી મદદ કરશે.
ગત વર્ષે ટેક્સ્ટાઈલ્સ અને ક્લોધિંગની નિકાસ 38 અબજ ડૉલર આસપાસ થઈ હતી પણ આ નાણાકીય વર્ષમાં નિકાસ થોડીક વધવાની આશા રવિ કપૂરે વ્યક્ત કરી હતી. ભારતીય નિકાસકારો મુખ્યત્ત્વે કોટન આધારિત છે. નિકાસ વધારવા પોલિએસ્ટર ટેક્સ્ટાઈલ્સ પ્રોડક્ટસમાં વધુ વળી જવાનો તેમણે ઉદ્યોગને અનુરોધ ર્ક્યો હતો. સરકારે તાજેતરના બજેટમાં પોલિએસ્ટર ટેક્સ્ટાઈલ માટેની કાચી સામગ્રી પીટીએ પરની એન્ટી-ડમ્પિંગ ડયૂટી નાબૂદ કરી હોવાથી હવે તેમાં લેવલ-પ્લેઈંગ ફીલ્ડ મળી રહેશે. વૈશ્વિક ટેક્સ્ટાઈલ માર્કેટમાં મેન-મેઈડ ફાઈબરનો વપરાશ વધી રહ્યો છે. આથી ભારત પણ એ દિશામાં વળે એ હિતાવહ છે. જો મેનમેઈડ ફાઈબર ટેક્સ્ટાઈલ્સની ભારતની નિકાસ વધી કોટનની નિકાસના સ્તરે પહોંચશે તો એકંદરે નિકાસમાં 20થી 25 અબજ ડૉલરનો વધારો થઈ શકશે.
બીજો થ્રસ્ટ એરિયા ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સનો છે. બજેટમાં નેશનલ ટેકનિકલ ટેક્સ્ટાઈલ મિશનની જે જાહેરાત થઈ હતી તે અંગે કૅબિનેટની મંજૂરી ટૂંકમાં જ મળી જવાની શક્યતા છે અને એકાદ-બે મહિનામાં તે યોજનાને આખરી ઓપ અપાશે. ટેક્નિકલ ટેક્સ્ટાઈલ્સ માટેની કાચી સામગ્રી વિકસાવવા સરકાર રૂા. 1000 કરોડ ખર્ચનાર છે. રિસર્ચ ઍસોસિયેશનોને આ માટે અરજી કરવા કહેવાયું છે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer