કેમ નથી થયો અસ્થાનાનો લાઈ ડિટેક્ટ ટેસ્ટ : સીબીઆઈ કોર્ટ

નવી દિલ્હી, તા. 19 : દિલ્હીની એક અદાલતે બુધવારે સીબીઆઈને સવાલ કર્યો હતો કે એજન્સીના પૂર્વ વિશેષ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાનો મનોવૈજ્ઞાનિક અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કેમ કરવામાં આવ્યો નથી. આ સાથે જ સીબીઆઈના વિશેષ ન્યાયાધિશ સંજીવ અગ્રવાલે શરૂઆતમાં તપાસ કરનારા અધિકારી અજય કુમાર બસ્સીને 28 ફેબ્રુઆરીના રોજ અદાલતમાં હાજર થવા કહ્યું હતું. 
આ મામલે સીબીઆઈની તપાસ ઉપર અદાલતે નારાજગી જાહેર કરી હતી અને પૂછ્યું હતું કે તપાસ એજન્સી પોતાના ડીએસપીની ધરપકડ કરી ચૂકી છે. તેમ છતા જે આરોપીઓની મોટી ભૂમિકા છે તેઓ છૂટા ફરી કેમ ફરી રહ્યા છે ? 
સીબીઆઈએ અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમારની 2018મા ધરપકડ કરી હતી અને પછી જામીન મળ્યા હતા. બન્નેના કેસમાં પર્યાપ્ત પુરાવા ન હોવાના કારણે તેમના નામ આરોપપત્રના કોલમ 12મા લખવામાં આવ્યા હતા. સીબીઆઈએ હેદરાબાદના કારોબારી સતીશ સનાની ફરિયાદના આધારે અસ્થાના સામે કેસ દાખલ કર્યો હતો. મીટ કારોબારી મોઈન કુરૈશીના મામલામાં સના સામે પણ તપાસ ચાલી રહી છે. ગત 12 ફેબ્રુઆરીના રોજ તપાસ મામલે અદાલત સીબીઆઈ ઉપર ભડકી હતી અને કહ્યું હતેં કે, કેસમાં પ્રમુખ ખેલાડી (સોમેશ પ્રસાદ)ની હજી સુધી ધરપકડ થઈ શકી નથી તેવામાં ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરીને તેની કારકિર્દી કેમ ખરાબ કરવામાં આવી. હવે આ મામલે વધુ સુનાવણી માટે 19 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. 
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer