પ્રિયંકા સરકારી બંગલામાં જ રહે તે માટે કૉંગ્રેસ રાજ્યસભામાં મોકલવા માગે છે?

આનંદ કે.વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : એપ્રિલમાં યોજાનારી રાજ્યસભાની આગામી ચૂંટણીમાં કૉંગ્રેસશાસિત રાજ્યોમાંથી કોઈ એક રાજ્યમાં પ્રિયંકા ગાંધી -વડરાને ઊભા રાખવાની અટકળો કૉંગ્રેસનાં વર્તુળોમાં ચાલી રહી છે. જોકે, અહેવાલો મુજબ આવાસનું એક પરિબળ પ્રિયંકા ગાંધી રાજ્યસભાની ચૂંટણી લડે એ માટેનું કારણ હોઈ શકે, પરંતુ અન્ય જે અટકળ કૉંગ્રેસનાં વર્તુળોમાં ચાલી રહી છે તે મુજબ લોકસભામાં પ્રવેશ મેળવવાની પ્રતીક્ષા કરવાને બદલે પ્રિયંકા ગાંધીએ એક સંસદસભ્ય તરીકે કારકિર્દીની શરૂઆત કરવામાં તેમનાં દાદી ઇન્દિરા ગાંધીનું અનુસરણ કરવું જોઈએ. પિતા જવાહરલાલ નેહરુના અવસાન બાદ ઇન્દિરા ગાંધી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. સંસદનાં બન્ને ગૃહોમાંથી ભાઈ અને બેન મોદી સરકારને પડકારવાનો ચાર્જ પોતાના હાથમાં લે એ કૉંગ્રેસને વધુ અનુકૂળ આવશે. રાહુલ હાલ લોકસભાના સાંસદ છે અને પ્રિયંકા રાજ્યસભામાં પક્ષની આગેવાની લઈ શકે.
રાજ્યસભાના સાંસદનો બંધારણીય હોદ્દો સંભાળવાની સાથે સાથે પ્રિયંકા ગાંધી પક્ષના કેડરનો જુસ્સો વધારી શકે અને તેમની વકતૃત્વકળા તેમના ભાઈ કરતાં વધુ સારી હોવાથી તેમની હાજરી અને પ્રવચનોની રાષ્ટ્રવ્યાપી અસર પડી શકે અને જો તેઓ રાજ્યસભાના સાંસદ બને તો સરકારી રહેઠાણના નવા નિયમો મુજબ લોઢી એસ્ટેટનો પોતાનો સરકારી બંગલો જાળવી શકે, જે તેમના માટે મોટી રાહતરૂપ વાત બની શકે.
આ ઉપરાંત પ્રિયંકા રાજ્યસભાની ઉમેદવારી હિન્દીભાષી રાજ્યો જ્યાં કૉંગ્રેસનું શાસન છે તે મધ્યપ્રદેશ, રાજસ્થાન કે છત્તીસગઢમાંથી નોંધાવી શકે અને આ રાજ્યોમાં પક્ષની તકો વધારી શકે. મધ્યપ્રદેશમાં પક્ષના એકમે પ્રિયંકા ચૂંટણી લડે એવી વિનંતી કરી છે.
પ્રિયંકા જો આ રાજ્યોમાંથી કોઈ એક રાજ્યમાં રાજ્યસભાની સાંસદ બને તો તેની અસર ઉત્તર પ્રદેશમાં પણ પડે, જ્યાં તેઓ પક્ષનાં મહામંત્રી તરીકે સક્રિય છે. ઉત્તર પ્રદેશમાં પક્ષને પુર્નજીવિત કરવા તેઓ સક્રિય છે. બિહારમાં પણ તેની અસર પડી શકે, જ્યાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે.
લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ જોરદાર પ્રચાર ર્ક્યો હતો. જોકે, કૉંગ્રેસ માટે વધુ બેઠકો મેળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. જોકે, તેમણે છેલ્લે છેલ્લે ચૂંટણીપ્રચારમાં કાપ મૂકયો હતો, પરંતુ સીએએ વિરોધી ચળવળમાં મોદી સરકારને પડકારનારાં તેઓ પ્રથમ ગાંધી હતાં. તેમણે જામિયા મિલિયા ઈસ્લામિયા કેમ્પસમાં પોલીસ પ્રવેશી ત્યારબાદ ઈન્ડિયા ગેટ ખાતે ધરણા ર્ક્યા હતા. મોદી સરકાર કૉંગ્રેસના આ નેતાનો લોઢી એસ્ટેટ ખાતેનો બંગલો ખાલી કરાવવાનું પગલું ભરવા વિચારી રહી હોવાના અહેવાલો વચ્ચે પ્રિયંકાને રાજ્યસભામાં મોકલવાની માગણી જોર પકડી રહી છે. પ્રિયંકા 1997થી ટાઈપ-6ના આ બંગલા પર કબજો ધરાવે છે. ખાનગી નાગરિક હોવા છતાં પ્રિયંકાને આ બંગલો ફાળવવામાં આવ્યો હતો, કારણ કે તેઓ સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપમાં આવી જાય છે. એસપીજી નિયમો આવા ગ્રુપ હેઠળ આવનારા તમામને સરકારી આવાસની છૂટ આપે છે. પ્રિયંકા ગાંધી જોકે, આ આવાસ માટે ભાડું ભરે છે.
બે ખાસ બનાવો પરથી પ્રિયંકાને આ બંગલો ખાલી કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. એક, તો સરકારે 2015માં સરકારી આવાસની ફાળવણીના નિયમો બદલ્યા છે. બીજું, સરકારે પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. સરકારે પ્રિયંકા, રાહુલ અને સોનિયા ગાંધીની જાનને ખતરાને લગતી નવી સમીક્ષા ર્ક્યા બાદ આ એસપીજી સુરક્ષા પાછી ખેંચાઈ છે.
બદલાયેલા નિયમો મુજબ જે લોકોને એસપીજી હેઠળ સુરક્ષા મળતી હોય તેમને જ સરકારી આવાસ મળી શકે. અગાઉ ઝેડ પ્લસ સિક્યોરિટી વાળાને પણ સરકારી આવાસ મળતો હતો, હવે ઝેડ પ્લસ સુરક્ષા ધરાવનારાઓ સરકારી આવાસ માટે લાયક ઠરતા નથી.
એસપીજી સુરક્ષા કવચની પુન: સમીક્ષા સાથે પ્રિયંકાએ આ બંગલા પરનો અધિકાર ગુમાવ્યો છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાંસદો હોવાથી સરકારી આવાસનો અધિકાર ભોગવી રહ્યાં છે એટલે જ કૉંગ્રેસ પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માગે છે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer