ટ્રમ્પના સત્કારની સમીક્ષા કરવા ખુદ મોદી 23મીએ આવે તેવી શક્યતા

અમિત શાહ પણ આજે અમદાવાદ આવશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19 : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા 24મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે. તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ખાસ તો તેમની સુરક્ષાથી લઇને સુવિધામાં કોઇ જ કસર ન રહે તેવા પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે 23મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી ટ્રમ્પના અગમનના આગલા દિવસે આવીને નમસ્તે ટ્રમ્પના થનારા બધા કાર્યક્રમો અને સુરક્ષાની સમીક્ષા કરી શકે છે. 
ટ્રમ્પની સુરક્ષાને લઇને કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ પણ આજે તા.20 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવી રહ્યા છે. તેમના ત્રણ દિવસના રોકાણ દરમિયાન તેઓ મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત લેશે તથા ત્યાની વ્યવસ્થા અંગે સમીક્ષા કરશે.
આ ઉપરાંત ટ્રમ્પના આગમન સંદર્ભે યોજવામાં આવેલ કાર્યક્રમ, સુરક્ષા તથા અન્ય વ્યવસ્થાઓ અંગે મુખ્યપ્રધાન  વિજય રૂપાણી, ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તેમજ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર સાથે ચર્ચા કરશે. આ સાથે અમિત શાહ 21 ફેબ્રુઆરીને મહાશિવરાત્રીએ વડોદરાની મુલાકાતે જશે. જ્યાં શિવજીની મહાઆરતીમાં જોડાવવા મંદિરના ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલુ આમંત્રણ કેન્દ્રીય ગૃહપ્રધાન શાહે સ્વીકાર્યુ છે. આ સાથે જ  35 કરોડના ખર્ચે તૈયાર થયેલા સૂરસાગર તળાવનું લોકાર્પણ પણ કરશે. 
મહત્વનું છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ફર્સ્ટ લેડી મેલેનિયા 24 ફેબ્રુઆરીએ અમદાવાદ ઍરપોર્ટ પર આવશે. જ્યાં તેઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાગત કરશે. ટ્રમ્પને ઍરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
ટ્રમ્પ અમદાવાદમાં 3-30 કલાક રોકાશે. જેમાં તેઓ રોડ શો માં અડધો કલાક, ગાંધી આશ્રમમાં 30 મિનિટ અને મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ કાર્યક્રમમાં 2-30 કલાક રોકાશે. જે માટે તેમની સુરક્ષા એકદમ સઘન બનાવી દેવામાં આવશે. જે માટે ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ, આઇબી, એસપીજી કમાન્ડોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. એનએસજીના એન્ટી સ્નાઇપર એક ટુકડી ખાસ તૈનાત રહેશે. મોટેરા સ્ટેડિયમની અંદર અને બહાર સિક્રેટ એજન્સીની ટીમ હાજર રહેશે. 
દરમિયાન આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મોટેરા સ્ટેડિયમને બીયુ પરમિશન આપવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમને વિશ્વની અગ્રણી કંપનીએ ડિઝાઇન કર્યુ છે. મોટેરા સ્ટેડિયમનું 700 કરોડના ખર્ચે 64 એકરમાં બાંધકામ કરવામાં આવ્યું છે. 
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer