વૃક્ષારોપણમાં પણ સ્કેમ ? ઉદ્ધવ તપાસ કરાવશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના કાર્યકાળમાં કરોડો વૃક્ષો ઉગાડવાની તપાસ કરવાનો નિર્ણય મહાવિકાસ આઘાડી સરકારે લીધો છે. ભાજપના નેતા અને વનખાતાના ભૂતપૂર્વ પ્રધાન સુધીર મુનગંટ્ટીવારે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ઉદ્ધવ સરકારને આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આર્થિક ગોલમાલ થઈ હોવાની શંકા છે.
ફડણવીસ સરકારના સમયમાં 33 કરોડ વૃક્ષો ઉગાડવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વધુમાં આ અભિયાન પાછળ વર્ષે લગભગ 1000 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. જોકે ચોક્કસ કેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં એ બદલ અનેક લોકોને શંકા છે. વૃક્ષારોપણ માટે કામ કરતાં અભિનેતા સયાજી શિંદેએ પણ સરકારના દાવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના યુતિની સરકારને બદલે હવે શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીની મહાવિકાસ આઘાડીની સરકાર સત્તા ઉપર આવ્યા પછી આ વિષય ચર્ચામાં આવ્યો છે.
મહાવિકાસ આઘાડીની સરકારમાંના કેટલાક પ્રધાનોએ ચોક્કસ કેટલી સંખ્યામાં વૃક્ષો ઉગાડયાં તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેઓએ તે અંગે વનખાતાના પ્રધાન સંજય રાઠોડને પત્ર લખ્યો હતો. તે અનુસાર ચોક્કસ કેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં અને તેમાંના કેટલાં ઉગ્યાં? તેની તપાસ કરવામાં આવશે.
ફડણવીસ સરકારમાંના વનખાતાના પ્રધાન રહી ચૂકેલા સુધીર મુનગંટ્ટીવારે જણાવ્યું છે કે અમારી ભાજપની સરકારના સમયગાળામાં વૃક્ષ ઉગાડવા માટે થયેલા પ્રયત્નોની લિમ્કા બુક અૉફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધ લેવામાં આવી હતી. રાજ્ય સરકારના 32 ખાતાં આ અભિયાનમાં સામેલ થાય છે.
આ પ્રકરણની તપાસ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ તપાસ કરવામાં આવે અને જરૂરપડયે શ્વેતપત્રિકા કાઢવામાં આવે એમ ફડણવીસે ઉમેર્યુ હતુ.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer