ડેરી ક્ષેત્ર માટે 4પપ8 કરોડની યોજનાને મંજૂરી


 કૅબિનેટનાં મહત્ત્વનાં નિર્ણયો : 22મા કાયદા પંચની રચનાને બહાલી, વ્યાજ સબસિડી યોજનામાં રાહત બે ટકાથી વધારીને 2.5 ટકા
નવ દિલ્હી, તા. 19 : કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતાં. જેમાં ડેરી ક્ષેત્રનાં પ્રોત્સાહન માટે 4પપ8 કરોડ રૂપિયાની એક યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 22માં કાનૂન આયોગની રચનાને પણ કેબિનેટ દ્વારા બહાલી આપી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો વિશે જાણકારી આપતાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, ડેરી ઉદ્યોગ માટેની યોજનાથી શ્વેતક્રાંતિ નવા સ્તરે પહોંચી શકશે. આ ઉપરાંત વ્યાજ સબસિડી યોજના હેઠળ રાહત 2 ટકાથી વધારીને 2.5 ટકા કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જાવડેકરે જણાવ્યું હતું કે, મંત્રાલયો, જાહેરક્ષેત્રની કંપનીઓ અને ઉદ્યોગો માટેની પ્રાપ્તિઓ, ખરીદીઓ માટે સૂચનો કરવાં એક અધિકારસંપન્ન ટેકનોલોજી જૂથની રચના પણ કરવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું હતું કે, જટિલ કાનૂની મુદ્દાઓમાં સરકાર માટે સલાહકારનું કામ કરતાં 22મા કાયદા પંચની રચનાને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. 
આજની આ બેઠકમાં સહાયક પ્રજનન ટેકનોલોજી (નિયમન) વિધેયકને પણ મંજૂરી આપવામાં આવી છે. આ વિધેયકમાં મહિલાઓનાં રીપ્રોડક્ટિવ અધિકારોનાં સંરક્ષણ માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવેલી છે. 
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer