ગૅંગસ્ટરે ટોચના પોલીસ અધિકારી દેવેન ભારતી

ઉપર કરેલા આક્ષેપોની રાજ્ય સરકાર તપાસ કરશે
મુંબઈ, તા. 19 : કુખ્યાત ગૅંગસ્ટર વિજય પાલાંડેએ મહારાષ્ટ્રના ઍન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડના વડા દેવેન ભારતી વિરુદ્ધ સેન્ટ્રલ વીજીલન્સ કમિશનને બે વર્ષ પહેલાં લખેલા પત્ર અંગે રાજ્ય સરકારે ધ્યાન આપવાની શરૂઆત કરી છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રાજ્યના પોલીસ મહાનિર્દેશક સુબોધ જયસ્વાલને આ પત્ર વિશે ચર્ચા કરવા બેઠક બોલાવવાની સૂચના આપી છે.
વિજય પાલાંડેના પત્રને અંગે રાજ્ય સરકારે બોલાવેલી બેઠક પોલીસતંત્રમાં ચર્ચાનો વિષય બની છે. પાલાંડેએ 31મી ડિસેમ્બર, 2018ના દિવસે સેન્ટ્રલ વીજીલન્સ કમિશનને પત્ર લખ્યો હતો. બાદમાં `કમિશન' અને કેન્દ્રના ગૃહ મંત્રાલયએ તે પત્ર અૉક્ટોબર, 2019માં મહારાષ્ટ્રના ગૃહખાતાને મોકલ્યો હતો. આ પત્ર બાદમાં ગૃહપ્રધાન દેશમુખને મોકલવામાં આવ્યો હતો. ગત 12મી ફેબ્રુઆરીએ તેના ઉપર ટીપ્પણ લખી હતી કે આ વિશે ચર્ચા થવી જોઈએ. તેના પગલે ગૃહ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે વધારાના મુખ્ય સચિવ (ગૃહ) અને પોલીસ મહાનિર્દેશકની બેઠક બોલાવશું.
પાલાંડેએ સેન્ટ્રલ વીજીલન્સ કમિશનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે દેવેન ભારતી અંધારી આલમમાં સામ્રાજ્ય ધરાવે છે. ગૅંગસ્ટર સંતોષ શેટ્ટી દેવેન ભારતીનો સાથી છે. આ બાબતની જાણ છોટા રાજનને થઈ પછી તેની સંતોષ શેટ્ટી સાથે દુશ્મનાવટ થઈ હતી. દરમિયાન ભારતીએ મહારાષ્ટ્રમાંનુ મટકાનુ કામકાજ પોતાના હસ્તક લઈ લીધુ હતું. સંતોષ શેટ્ટી દેવેન ભારતીની ટોળકીનો સભ્ય બન્યો હતો. દેવેન ભારતીના અનીતીના ધંધાની કમાણી સુધાકર શેટ્ટીની કચેરીમાં રાખવામાં આવતી હતી.
ઉપરાંત જેની હત્યાનો આરોપ પાલાંડે ઉપર છે તે અરુણ ટીક્કુના પુત્ર પાસેથી દેવેન ભારતીએ બે કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો આક્ષેપ પત્રમાં કરવામાં આવ્યો છે. અરુણ ટીક્કુની હત્યાના પ્રકરણમાં તેમના પુત્ર ઉપર પિતાની હત્યા આરોપ મુકાય નહીં એ માટે દેવેન ભારતીને આ રકમ આપવામાં આવી હતી. અરુણ ટીક્કુની હત્યાની `સોપારી' તેમના પુત્રએ સંતોષ શેટ્ટીના નિશાનબાજ ધનજંય શીદેને સોંપી હતી. આ ગુનો આચરવામાં દેવેન ભારતીના આર્શીવાદ હતા. એવો આક્ષેપ પત્રમાં કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
મહારાષ્ટ્રના વધારાના મુખ્ય સચિવ (ગૃહ) સંજયકુમારે પાલાંડેના પત્ર અથવા દેશમુખની ટીપ્પણ વિશે કશુજ કહેવાનો ઈનકાર ર્ક્યો હતો. આ પત્રને ગંભીરતાથી લેવા વિશે પ્રશ્ન ઉઠાવતા દેવેન ભારતીએ જણાવ્યું હતું કે પાલાંડે ઉપર છ હત્યાના અને અન્ય ગંભીર પ્રકારના આરોપો છે તેની વર્ષ 2012માં ધરપકડ થઈ હતી. તેણે વર્ષ 2018માં કરેલી ફરિયાદ વિશે વર્ષ 2020માં ચર્ચા શરૂ થઈ છે. આ સમાચારને ફેલાવવા પાછળ કોનો દોરીસંચાર છે તેની તપાસ થવી જોઈએ. જો પ્રસાર માધ્યમો આ પ્રકારે ગુનેગારોના હાથમાં રમશે તો તેનાથી ખોટુ ઉદાહરણ બેસશે. આરોપીઓને પોલીસના તપાસ અધિકારી વિરુદ્ધ આક્ષેપો કરવાનું મોકળુ મેદાન મળી જશે, એમ દેવેન ભારતીએ ઉમેર્યું હતું.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer