પહેલી એપ્રિલથી ભારત વિશ્વના સૌથી ચોખ્ખા પેટ્રોલ-ડીઝલનું વપરાશકાર

નવી દિલ્હી, તા. 19: ભારત આગામી પહેલી એપ્રિલથી વિશ્વના સૌથી ચોખ્ખા પેટ્રોલ-ડીઝલ વાપરતું થશે કારણ કે તે હાલના યુરો-4 ગ્રેડવાળા ઈંધણમાંથી યુરો-6 ઉત્સર્જનપાલક ઈંધણમાં છલાંગ લગાવનાર છે. તે ત્રણ જ વર્ષમાં મેળવેલી સિદ્ધિ હશે જે વિશ્વભરના અન્ય કોઈ મોટા અર્થતંત્રમાં જોવા નથી મળી. માત્ર દસ પાર્ટ્સ પર મિલિયન (પીપીએમ) સલ્ફર ધરાવતા પેટ્રોલ-ડીઝલ વાપરનારા પસંદગીના રાષ્ટ્રોની લીગમાં ભારત સામેલ થશે, કારણ કે મોટાં શહેરોમાં ગૂંગળાવતાં પ્રદૂષણ માટે કારણરૂપ વાહનોમાંથી વછૂટતા ઉત્સર્જન પર ભારત કાપ મૂકશે.
આઈઓસીના ચેરમેન સંજીવ સિંઘે જણાવ્યું હતું કે લગભગ તમામ રીફાઈનરીઓએ '19ના અંત સુધીમાં અલ્ટ્રા-લો સલ્ફર બીએસ-6 (જે યુરો-6 ગ્રેડની સમકક્ષ છે) પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન શરૂ  કર્યું છે.
આપણે ચોક્કસપણે આગામી તા.1 એપ્રિલથી ભારત સ્ટેજ-6 ઈંધણ પૂરું પાડવાના માર્ગે છીએ. લગભગ તમામ રીફાઈનરીઓએ બીએસ-6 ઈંધણ પૂરું પાડવાનું શરૂ કર્યું છે અને દેશભરમાં સ્ટોરેજ ડેપો બાબતે ય આવું જ છે.
સ્ટોરેજ ડેપોમાંથી ઈંધણો પેટ્રોલ પંપમાં પહોંચવાનું શરૂ થઈ ચૂકયું છે અને આગામી થોડા જ સપ્તાહમાં તે તમામ માત્ર બીએસ-6 ગ્રેડના જ પેટ્રોલ-ડીઝલ ધરાવતા હશે, એમ સિંહે જણાવ્યું હતું.
ભારતે '10માં સલ્ફરના 350 પીપીએમનાં પ્રમાણવાળા યુરો-3 (અથવા ભારત સ્ટેજ-3)સમકક્ષનું ઈંધણ અપનાવ્યું અને બીએસ-4 (જેમાં 50 પીપીએમનું સલ્ફરપ્રમાણ હતું)માં ખસેડાતા 7 વર્ષ લાગ્યા. બીએસ-4માંથી બીએસ-6માં જવામાં બીજાં 3 વર્ષ લાગ્યાં છે.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer