ઓનલાઈન વ્યવહારમાં હવે ઓટીપીથી મુક્તિ !

માત્ર શંકા ઉપજાવતા વ્યવહારમાં જ ઓટીપી મળે તેવી ખાસ પ્રક્રિયા અમલમાં મુકવાની વિચારણા
મુંબઈ, તા.19: એટીએમ (ડેબીટ) કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ઓનલાઈન ઉપયોગ સમયે મળતા વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી)ની ઝંઝટમાંથી હવે મુક્તિ મળશે. વૈશ્વિક નેટવર્ક પ્રોવાઈડર `વીઝા' ટુ ફેકટર ઓથેન્ટિફિકેશન (2એફએ) પ્રક્રિયા હટાવવાની તૈયારી કરી રહી છે એટલે કે રોજિંદા ઓનલાઈન વ્યવહાર કરતી વખતે ઓટીપી નંબરની જરૂર નહીં રહે.
વીઝા ઓટીપી વાળી પ્રક્રિયાને સ્થાને જોખમ આધારિત પ્રોમ્પ્ટ પ્રોસેસ લાગુ કરવાનું વિચારી રહી છે. પ્રોમ્પ્ટ પ્રોસેસ અંતર્ગત સંદિગ્ધ જણાતા વ્યવહાર માટે ઓટીપીની પ્રક્રિયા થશે. જોખમ મુક્ત વ્યવહારોમાં ઓટીપી વગર સીધી જ રકમ ટ્રાન્સફર થઈ જશે. વીઝા એ આ પ્રક્રિયા લાગુ કરવા માટે સ્થાનિક નિયમનકર્તાઓ અને બેન્કિંગ પાર્ટનરો સાથે ચર્ચા કરશે. વીઝાના ઉચ્ચ અધિકારીએ માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય નિયમોને ધ્યાનમાં લઈને વ્યવહારને લગતા બદલાવ કરવામાં આવશે.
વીઝાના એશિયા-પેસિફિક ક્ષેત્રના હેડ ઓફ રિસ્ક જો કનિંધમે કહ્યું હતું કે અમારું માનવું છે કે, 2એફએ જરૂરી છે પરંતુ અમને લાગે છે કે તેનો ઉપયોગ માત્ર જોખમના સમયે જ થવો જોઈએ. અમારી ઈન્ડસ્ટ્રીઝની સાચી વૃદ્ધિ ઈ-કોમર્સ સ્પેસથી થાય છે એટલે ગ્રાહકોને વધુ સારા અનુભવો આપવા માટે બદલાવ કરવા પડશે.
ટુ એફએ શું છે?
ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી વ્યવહાર કરવા ઉપર સુરક્ષાના બે સ્તર હોય છે જેને ટુ ફેકટર ઓથેન્ટિફિકેશન કહે છે. પહેલા સ્તરે ગ્રાહકના કાર્ડની માહિતી અને સીવીવી નંબર વગેરે લીધા બાદ વ્યવહારને મંજૂરી આપવામાં આવે છે અને બીજા સ્તરમાં એક ઓટીપી નંબર ગ્રાહકના મોબાઈલમાં આવે છે. જેના દ્વારા ગ્રાહક વ્યવહાર પૂરો કરી શકે છે. વીઝા કંપનીના માનવા પ્રમાણે તમામ ટ્રાન્ઝેકશનમાં ઓટીપી પ્રક્રિયાની જરૂર નથી.
હવે વિકલ્પ કયો?
વીઝા કંપની હવે ઓટીપી પ્રક્રિયાને બદલે ટ્રાન્ઝેકશન રિસ્ક બેઝડ મોનિટરિંગની વાત કરી રહી છે. આ કામ એક `ઈએમવી' 3ડી સિકયોર નામની એક ખાસ પ્રકારની પ્રક્રિયા દ્વારા થશે જેમાં માત્ર જોખમની શંકા ઉપજાવતી લેવડ-દેવડમાં જ ઓટીપી આવશે. બાકીના તમામ વ્યવહારો ઓટીપી વગર થશે. સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં થોડા સમય પહેલા જ પ્રક્રિયા અમલમાં મુકી છે. 
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer