વિરારમાં બંગલા આપવાના નામે કાંદિવલીના બિઝનેસમૅન સાથે 38 લાખ રૂપિયાની છેતરપિંડી

મુંબઈ, તા. 19 : કાંદિવલી પશ્ચિમના બિઝનેસમેન કિરીટ મોરવાડિયાએ પોતાની સાથે વિરારમાં બંગલો સ્કીમમાં 38 લાખ રૂપિયાની થયેલી કહેવાતી છેતરપિંડી સબબ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે એફઆઈઆર નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત આપતાં કિરીટ મોરવાડિયાએ જણાવ્યું હતું કે 2010માં અમારા પારિવારિક મિત્ર અને રિયલ એસ્ટેટ એજન્ટ મુકેશ સંઘવીએ તેમના પરિચિત દહિસરમાં રહેતા સીએ દીપક ચીમનલાલ શાહ (બોરડા-મહુવા)ના તેમના વિરાર ખાતેના નાલેશ્વર દીપ રિયલ્ટર્સ હેઠળનાં આશિયાના ગ્રીન સિટીમાં બંગલો ખરીદવા કહ્યું હતું.
મુકેશ સંઘવીની ભલામણથી અમે બંગલો પ્રોજેક્ટ જોવા ગયા હતા. ત્યારે અમે દીપક શાહ, તેમના બે પુત્ર વિશાલ અને પાર્શ્વ, તેમના ભાગીદારો વિજય પારેખ, આનંદ પ્રધાન અને મહેશ નાઈકને મળ્યા હતા. એ હાઉસિંગ પ્રોજેક્ટમાં 350 બંગલા અને 140 જેટલાં રો હાઉસ બનવાનાં હતાં. તેમણે ત્યારે અમને એવી ખાતરી આપી હતી કે એ પ્રોજેક્ટ અમે 15 મહિનામાં પૂરો કરવાના છીએ. જો એ સમયમાં પૂરો નહીં થાય તો રોકાણ પર પ્રતિ મહિને દોઢ ટકાના હિસાબે વ્યાજ ચૂકવીશું એ પછી સાત ફેબ્રુઆરી 2010ના રોજ મેં મારા અને મારાં પત્નીના નામે એક એક બંગલો બુક કરાવ્યો હતો. એક બંગલાની કિંમત 16 લાખ રૂપિયા નક્કી થઈ હતી. બે બંગલા માટે પ્રારંભિક આઠ લાખ રૂપિયા રોકડા અને ચેક દ્વારા ચાર લાખ રૂપિયા દીપક શાહને અમારા ઘરે ચૂકવ્યા હતા. જેની રસીદો પણ તેમણે અમને આપી હતી.
દીપક શાહે અમને એપ્રિલ 2010માં કહ્યું હતું કે હાલ ભાવ સારા વધી રહ્યા છે જો તમને વધુ રોકાણ કરવું હોય તો હું તમને 18 લાખ રૂપિયામાં એક એવા બે બંગલા અપાવી દઈશ. ત્યારે કહ્યું કે 18 મહિનામાં પ્રોજેક્ટ પૂરો કરી દઈશું. નહીં થાય તો દોઢ ટકાના દરે વ્યાજ ચૂકવીશું. એટલે અમે 23 અને 24 એપ્રિલે વધુ બે બંગલા નોંધાવ્યા હતા. એ વખતે પણ સોદો મારા ઘરે જ થયો હતો, એમ મોરવાડિયાએ જણાવ્યું હતું.
દીપક શાહ અને તેમના બે દીકરાઓને અમે એક બંગલા પેટે 12.5 લાખ રૂપિયા રોકડા મળી કુલ 25 લાખ રૂપિયા બે બંગલાના ચૂકવ્યા હતા, જેની રસીદો પણ આપી હતી. એ વખતે તેમણે અમને ચાર બંગલોનો કન્ફર્મ એલોટમેન્ટ લેટર આપ્યો હતો. એ બાદ છ મહિના પછી પ્રોજેક્ટ બંધ પડયો હોવાનું અમને જાણવા મળતાં સાઈટ પર જઈને અમે દીપક શાહનો સંપર્ક ર્ક્યો હતો. ત્યારે શાહે કહ્યું કે અમારો બંગલો પ્રોજેક્ટ `િસડકો'માંથી વસઈ-વિરાર મહાનગરપાલિકામાં ટ્રાન્સફર થયો છે એટલે પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ એ બાદ બંગલો પ્રોજેક્ટનાં કામ અંગે પૂછતાં કોઈને કોઈ બહાનાં બતાવતા રહ્યા હતા. એ બાદ નોટબંધી અને જીએસટીના બહાનાં આગળ ધરીને પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો છે એવું કહેતા રહ્યા. પણ કામ અટકી ગયું હતું.
2018માં ફરી પાછું કામ શરૂ થયું હતું. ત્યારે તેમણે હવે ભાવ વધી ગયા છે એવું કહીને અમારા પાસેથી બે બંગલાના વધુ પાંચ લાખ રૂપિયા લીધા હતા. પણ ફરી કામ અટકી ગયું હતું, એમ મોરવાડિયાએ જણાવ્યું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે પ્રોજેક્ટમાંથી બધા ભાગીદાર છૂટા થઈ ગયા છે અને પ્રોજેક્ટ લટકી પડયો છે. છેવટે મને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે આથી મેં મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મારી વિગતો અને દસ્તાવેજો તપાસ્યા હતા અને ત્યારબાદ આખરે ગત 14 ફેબ્રુઆરીએ દીપક શાહ સામે ભારતીય દંડ સંહિતાની ક્લમ 406, 420 અને 34 હેઠળ એફઆઈઆર નોંધી હતી. અને વધુ તપાસનાં ચક્ર ગતિમાન ર્ક્યાં હતાં.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer