યુકેમાં ''21થી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશનનો અમલ, ભારતીયોને લાભ

લંડન, તા.19:  યુકેમાં '21થી અમલી બનનારી ઈમિગ્રેશન સિસ્ટમ સ્કિલ્ડ ભારતીયો માટે લાભદાયી બની રહે તેવી ઉજળી આશા છે. યુકેમાં નવી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમનો આરંભ થવા સાથે આવતા વર્ષથી ઉચ્ચ કૌશલ્યવાળા હજારો ભારતીયોને બ્રિટનમાં પૂર્ણ સમયની જોબ મળવાની સંભાવના ખૂલશે. દેશની ઈમિગ્રેશન સિસ્ટમમાં 50 વર્ષના સૌથી ધરખમ બદલાવમાં બ્રિટન, યુરોપમાંથી કર્મચારીઓનો અમર્યાદિત પ્રવાહને બદલે દુનિયાભરમાંથી કૌશલ્યવાન કર્મચારીઓનો નિયંત્રિત પ્રવાહની છૂટ આપતી સિસ્ટમ અપનાવાશે. ભારતીય મૂળના નવા ગૃહ મંત્રી પ્રીતિ પટેલે આ નવી સ્કીમ લોન્ચ કરવા સાથે દાવો કર્યો હતો કે તેનાથી દેશની પૂર્ણ સંભાવનાઓ (પોટેન્શ્યલ)ને છૂટો દોર મળશે. 
ઓસ્ટ્રેલિયાની પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ પ્રેરિત આ નવી સિસ્ટમ '21ની 1 જાન્યુઆરીથી અમલી બનશે. વિશ્વભરમાંથી ઉચ્ચતમ કૌશલ્યને આકર્ષવાની નેમથી ચોકકસ કૌશલ્ય, ગુણવત્તા, વેતનો કે વ્યવસાયો માટે પોઈન્ટ્સ અપાશે. આ નવી સિંગલ ગ્લોબલ સિસ્ટમ યુરોપી સંઘ (ઈયુ) અથવા નોન-ઈયુ નાગરિકોને સમાનપણે લાગુ પડશે. અત્યાર સુધી ટાયર-ટુ વિઝાની સંખ્યા પર ટોચમર્યાદા હતી, પરંતુ જારી થનારા સ્કિલ્ડ વર્કર વિઝાઓ પર કોઈ ટોચમર્યાદા નહીં રહે. ગૃહ ખાતાએ જણાવ્યુ હતું કે બ્રિટનમાંનો હાલનો અંદાજિત 70 ટકા જેટલુ ઈયુ વર્કફોર્સ બ્રિટનની સ્કિલ્ડ વર્કર રુટની જરૂરિયાતોને પહોંચી વળે તેવુ નથી.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer