આધાર સાથે ચૂંટણી કાર્ડ થશે લિંક

આધાર સાથે ચૂંટણી કાર્ડ થશે લિંક
કાયદા મંત્રાલય અને ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં લેવાયો નિર્ણય : પેઈડ ન્યૂઝ અને ચૂંટણી સોગંદનામામા ખોટી વિગતોને ગંભીર અપરાધ ગણવાનો પ્રસ્તાવ
નવી દિલ્હી, તા. 19 :  ચૂંટણી પ્રક્રિયામાં સુધારા સહિતના મહત્વના મુદ્દે કાનૂન મંત્રાલય અને ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ફર્જી વોટર આઈડી ઉપર લગામ કસવા માટે ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવાની સહમતિ સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં પંચે ચૂંટણી સોગંદનામા અને પેઈડ ન્યૂઝને લઈને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સોગંદનામામાં ખોટી માહિતી આપવી અને પેઈડ ન્યૂઝને ગંભીર અપરાધની શ્રેણીમાં રાખવામાં આવે અને તેના આરોપીઓને પણ ગંભીર અપરાધ માટે મળતી સજા મળવી જોઈએ. આ સાથે ચૂંટણી કાર્ડને આધાર સાથે જોડવાની માગ ઉપર પણ સરકારે સહમતિ વ્યક્ત કરી હતી.
કાનૂન મંત્રાલય અને ચૂંટણી આયોગની મહત્વની બેઠક અંગે સુત્રોના હવાલાથી જારી અહેવાલ મુજબ ચૂંટણી પંચે જનપ્રતિનિધી એક્ટમાં બદલાવ કરીને આધારને વોટર આઈડી સાથે જોડવાની મંજૂરી આપવામાં આવે તેવી માગણી સરકાર સમક્ષ કરી હતી. જેથી ફર્જી વોટર આઈડી ઉપર લગામ કસી શકાય. આ મુદ્દે ચર્ચા બાદ મંત્રાલય તરફથી સહમતિ આપવામાં આવી હતી. 
આધારને ચૂંટણી કાર્ડ સાથે જોડવાના મુદ્દે કાનૂન મંત્રાલયે ચૂંટણી પંચને કહ્યું હતું કે બન્ને લિંક થયા બાદ આધાર મારફતે સુચના લીક ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. ચૂંટણી પંચે થોડા સમય પહેલા જ ડેટા લીક રોકવા માટે જરૂરી પગલાની યાદી બનાવી હતી. આ બેઠકમાં કાયદા મંત્રાલયના સચિવ જી નારાયણ રાજૂ, મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડા, ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રા અને અશોક લવાસા હાજર હતા. બેઠકમાં ચૂંટણી દરમિયાન અપરાધ ઉપર લગામ કસવાના પગલા લેવા ઉપર પણ ભાર મુક્યો હતો.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer