પૅગ બનાવવા માટે બાળકનું અપહરણ

પૅગ બનાવવા માટે બાળકનું અપહરણ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.19 : બાળકોના અપહરણ કરીને માતા-પિતા પાસેથી મોટી રકમ પડાવવા માટે ધમકીઓ આપવાની ઘટનાઓ રોજ બને છે, પરંતુ નાગપુરમાં એક દારૂડિયાએ સાત વર્ષના બાળકનું અપહરણ કર્યાનું જે કારણ આપ્યું એ સાંભળીને સૌ હલબલી ગયા હતા. મંગળવારે ધરપકડ બાદ આરોપી દારૂડિયાએ પોલીસને કહ્યું કે દારૂનો ગ્લાસ ભરવા માટે મેં આ બાળકનું અપહરણ કર્યું હતું, એ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. અપહૃત બાળકની મારપીટ કરીને આરોપી નાસી ગયા બાદ આ બાળક ઝાડીઓમાંથી મળી આવ્યો હતો અને હાલમાં તે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આરોપી રાધેશ્યામ શર્માએ પોલીસને જણાવ્યું હતું કે વર્ધમાન નગરમાં આ બાળક તેના ઘરની નજીક રમતો હતો ત્યારે મોટરસાઇકલ પર હું તેને પરાણે ઉઠાવી ગયો હતો અને શહેરથી દૂર દારૂની બૉટલ અને ગ્લાસ રાખેલા હતા ત્યાં લઇ જઇને મેં આ છોકરાને પૅગ બનાવવાનું કહ્યું હતું. છોકરાએ પૅગ બનાવવાની ના પાડતા દારૂડિયાએ તેને લાકડીથી માર માર્યો હતો અને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળક ગુમ થયા બાદ તેના માતા-પિતા અને પડોશીઓએ શોધખોળ આરંભી હતી અને દૂર ઝાડીઓમાં પડેલો મળી આવ્યા બાદ તેને હૉસ્પિટલે લઇ જવાયો હતો.   

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer