``લેટ મી સે ઇટ નાઉ'''' પુસ્તકમાં ટાંકવામાં આવી અનેક ચોંકાવનારી વાતો

``લેટ મી સે ઇટ નાઉ'''' પુસ્તકમાં ટાંકવામાં આવી અનેક ચોંકાવનારી વાતો
કેસેટ કિંગ ગુલશનકુમારની હત્યાની બાતમી મને અગાઉથી જ મળી ગઈ હતી : રાકેશ મારિયાનો દાવો
મુંબઈ, તા. 19 : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ લખેલા પુસ્તક ``લેટ મી સે ઇટ નાઉ''માં વિવિધ ચોંકાવનારી ઘટનાઓનો ખુલાસો થઈ રહ્યો છે. આ પુસ્તકમાં થયેલા એક ઉલ્લેખ પ્રમાણે કેસેટ કિંગ ગુલશનકુમારની હત્યા થવાની છે એવી માહિતી મને પહેલાં જ મળી ગઈ હતી, એવું મારિયાએ જણાવ્યું છે.
``સર, ગુલશનકુમાર કા વિકેટ ગિરનેવાલા હૈ'' એવી માહિતી મને મારા સંપર્કમાંના એક ખબરીએ આપી હતી. ગુલશનકુમાર 
એ વખતે કેસેટ કિંગ તરીકે ઓળખાતા હતા.
સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝના નામે તેમનું સામ્રાજ્ય વિકસ્યું હતું. તેમણે ``ટી સિરીઝ'' નામની કેસેટ કંપની પણ શરૂ કરી હતી. થોડાં વર્ષોમાં જ તેઓ કરોડો રૂપિયા કમાયા હતા. તેમણે નવા ગાયકોને તક આપવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં, દેવદેવીઓનાં ગીતો મોટા પ્રમાણમાં ગુલશનકુમાર માર્કેટમાં લાવ્યાં હતાં. તે વખતે આવાં ગીતોનો એક જુવાળ શરૂ થયો હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે મને એક દિવસ ફોન આવ્યો. મારા ખબરીએ મને જણાવ્યું હતું.
``સર, ગુલશનકુમાર કા વિકેટ ગિરનેવાલા હૈ'', મેં તેને પૂછ્યું, કોણ વિકેટ પાડશે? ત્યારે ખબરીએ જવાબ આપ્યો કે ``અબુ સાલેમ'', તેણે તેના શૂટર્સ સાથે કાવતરું ઘડયું છે. બધા પ્લાન નક્કી છે. ગુલશનકુમાર સાહેબ, રોજ ઘરેથી નીકળીને પહેલાં એક શિવમંદિરમાં જાય છે. ત્યાં જ કામતમામ કરવાના છે,'' એવી માહિતી ખબરીએ મને આપી હતી. એ બાદ મેં તેને પૂછ્યું હતું કે `આ ખબર સાચી છે કે?' તેણે કહ્યું સાહેબ એકદમ પાકા સમાચાર છે, નહીં તો તેમને શા માટે કહું?' મેં તેને કહ્યું બીજી કોઈ માહિતી મળે તો જણાવજે, એમ કહીને મેં તેનો ફોન મૂક્યો હતો અને વિચારમાં પડી ગયો હતો કે હવે શું કરવું?
`બીજા દિવસે સવારે મેં પહેલા ફોન મહેશ ભટ્ટને કર્યો હતો. તેમને પૂછ્યું કે તમે ગુલશનકુમારને ઓળખો છો? તેમણે કહ્યું, `હું તેમના એક સિનેમાનું પણ દિગ્દર્શન કરી રહ્યો છું. સવારમાં જ મારો ફોન આવતાં મહેશ ભટ્ટ થોડા ચકિત થઈ ગયા હતા, તેમણે કહ્યું કે ગુલશનકુમાર રોજ શંકરના મંદિરે દર્શને જાય છે. તે બાદ મેં તત્કાળ ગુના શાખાને જણાવ્યું કે ગુલશનકુમારના જીવ પર ખતરો છે. તેમની સલામતી માટે યોગ્ય પગલાં લો,' અને એ બાબતમાં તમે મને વાકેફ કરતા રહો. જોકે 12 અૉગસ્ટ 1997ના રોજ મને ફોન આવ્યો અને માહિતી મળી કે ગુલશનકુમારની હત્યા થઈ ગઈ છે. મેં પૂછયું હત્યા ક્યાં થઈ? જવાબ મળ્યો કે શંકરના મંદિર પાસે. મેં પૂછ્યું આવું કેમ બની શકે? તમે તેમને પોલીસ રક્ષણ આપ્યું હતું. એ બાદ મેં જે તપાસ કરી તેમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ પોલીસ અને કમાન્ડોએ ગુલશનકુમારની સલામતીની જવાબદારી લીધી હતી. આથી મુંબઈ પોલીસે તેમની સલામતી ખસેડી લીધી હતી, એવું મારિયાએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશ પોલીસ અને કમાન્ડો પણ ગુલશનકુમારનું યોગ્ય રીતે સંરક્ષણ કરી રહ્યા હતા. કેટલાક મહિના વીત્યા પછી ગુલશનકુમાર પરનો ખતરો ટળી ગયો છે એવું તેમને લાગ્યું હશે, આથી તેઓ ગાફેલ રહ્યા અને એ જ તક ઝડપીને ગુલશનકુમારની ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી.
ગુલશનકુમારની હત્યાનું જે પ્રમાણે કાવતરું ઘડાયું હતું એ પ્રમાણે જ તેમની હત્યા કરવામાં આવી હતી.
રાકેશ મારિયાના આ પુસ્તકમાં બયાન છે. તેમને ગુલશનકુમારની હત્યાની ટીપ અગાઉ જ મળી ગઈ હતી. તેમની હત્યા ન થાય એ માટે મારિયાએ બનતા પ્રયાસ કર્યા હતા. તેમ છતાં તેમની હત્યા થઈ હતી.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer