રમકડાંમાં આયાત ડયૂટી વધારતાં ફક્ત આંશિક ઉત્પાદકોને જ ફાયદો થશે

રમકડાંમાં આયાત ડયૂટી વધારતાં ફક્ત આંશિક ઉત્પાદકોને જ ફાયદો થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : સરકાર રમકડાંમાં આયાત ડયૂટી 20 ટકાથી વધારીને 60 ટકા કરતાં ફક્ત 500થી 600 સ્થાનિક ઉત્પાદકોને ફાયદો થશે, જ્યારે બે હજારથી વધુ આયાતકારો/હોલસેલર્સ અને વિતરકો અને એકંદર એક લાખથી પણ વધુ વેપારીઓ ઉપર પ્રતિકૂળ અસર પડશે, એમ મહારાષ્ટ્રના 3.5 લાખથી પણ વધુ રિટેલર્સનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશનના પ્રેસિડેન્ટ વિરેન શાહે જણાવ્યું હતું. 
તેમણે ઉમેર્યું કે, સરકારના આ નિર્ણયથી વિદેશી રોકાણ ઘટશે, તેમ જ ભારતનાં બજારમાં રસ ધરાવતી રમકડાંની વૈશ્વિક બ્રાન્ડ્સ પણ અન્ય વિકલ્પો શોધશે. તેમ જ આ ઉદ્યોગમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ)નો પ્રસ્તાવ છે, તેનાથી પણ ઉદ્યોગ ઉપર વિપરીત અસર પડશે કારણ કે રમકડાંમાં દરરોજ ટ્રેન્ડ બદલાય છે તેથી ફેરફારની સાથે બીઆઈએસ એ આયાતકારો અને ઉત્પાદકો બંને માટે અસંભવ છે. જે રમકડાંની ભારતમાં આયાત થાય છે તેમનાં ધોરણો પહેલાંથી જ ટેસ્ટ કરવામાં આવે છે. આથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર ડયૂટીમાં આ વધારો પાછો ખેંચે. વિદેશી અને સ્થાનિક વેપારીઓને આકર્ષવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડે. તેમ જ  ડિપાર્ટમેન્ટ ફોર પ્રોમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) અને વિભાગને વિનંતી કરવામાં આવે છે કે, નવા ડ્રાફ્ટ કે કાયદા ઘડતા પહેલાં રમકડાંના દરેક એસોસિયેશન્સ, નિષ્ણાતો, આયાતકારોનું એસોસિયેશન, એમએસએમઈ અને ગ્રાહકોની પ્રતિક્રિયા પણ જાણે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer