શાહીન બાગ પર ગતિરોધ જારી

શાહીન બાગ પર ગતિરોધ જારી
વાર્તાકારોએ સમાધાનની ફોર્મ્યૂલા સમજાવી, પણ ન માન્યા
નવી દિલ્હી, તા. 19 : નવી દિલ્હીમાં શાહીનબાગ પર છેલ્લા 67 દિવસથી સીએએના વિરોધમાં જારી પ્રદર્શન વચ્ચે બુધવારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થકારો સંજય હેગડે અને સાધના રામચંદ્રને અહીં પહોંચી, પ્રદર્શનકારીઓ સાથે સમાધાનની ફોર્મ્યુલાની વાત કરી હતી. જો કે, આજે આ વાર્તાકારોના સમજાવ્યા પછીયે ગતિરોધ તૂટયો ન્હોતો. આવતીકાલે ગુરુવારે મધ્યસ્થીકારો ફરી શાહીનબાગ જશે. 
શાહીનબાગમાં આજે પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત બાદ એક વાર્તાકાર વરિષ્ઠ વકીલ સાધના રામચંદ્રને કહ્યું હતું કે, માતાઓ, બહેનો, નાગરિકોને મળ્યા, બહુ સારું લાગ્યું.
આજે વાત તો પૂરી ન થઈ શકી, પરંતુ શરૂઆત જરૂર થઈ છે. દેખાવકારો ઈચ્છે છે કે અમે કાલે ફરી તેમને મળીએ તેવું તેમણે ઉમેર્યું હતું.  વાર્તાકારોએ રસ્તો કેવી રીતે ખૂલશે તેવું પૂછતાં પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી નાગરિક્તા સંશોધન કાયદો (સીએએ) પાછો નહીં ખેંચાય, ત્યાં સુધી અમે એક ઈંચ પણ નહીં હટીએ. 
કોઈ અમારા ઉપર ગોળીબાર પણ ભલે કરે. અમારા ઉપર દેશદ્રોહી હોવાનો આરોપ લગાવાય છે. કેટલાક લોકો ગોળી મારવા માગે છે, તેવું દેખાવકારોએ ઉમેર્યું હતું. 
અમે દેશદ્રોહી નથી, દેશભક્ત છીએ. અમે અંગ્રેજો સામે લડયા છીએ તેવું કહેનારા પ્રદર્શનકારીઓએ આજે મધ્યસ્થીકારો મંચ પર પહોંચ્યા ત્યારે તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વાર્તાકારો ગતિરોધ ખતમ કરવામાં સફળ રહેશે, તો દિલ્હીવાસીઓને મોટી રાહત થશે. અત્યારે રસ્તો બંધ હોવાથી થોડીક મિનિટોનું અંતર કાપતાં કલાકો લાગે છે. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત ત્રીજા મધ્યસ્થી વજાહત હબીબુલ્લાહ શાહીન બાગ પહોંચ્યા નહોતા.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer