રામમંદિરની ડિઝાઈન યથાવત રાખીને લંબાઈ પહોળાઈ વધારાશે

રામમંદિરની ડિઝાઈન યથાવત રાખીને લંબાઈ પહોળાઈ વધારાશે
ટ્રસ્ટની પહેલી બેઠકમાં મહંત નૃત્યગોપાલ દાસ અધ્યક્ષ અને ચંપત રાય મહામંત્રી ચૂંટાયા
નવી દિલ્હી,તા.19: અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે નવગઠિત રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે પહેલી બેઠક રાજધાની દિલ્હીમાં મળી હતી. જેમાં મહંત નૃત્યગોપાલ દાસને ટ્રસ્ટનાં અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદનાં ચંપત રાયને મહામંત્રી ચૂંટવામાં આવ્યા હતાં. તો નૃપેન્દ્ર મિશ્રાને ભવન નિર્માણ સમિતિનાં ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. આજની આ બેઠકમાં ટ્રસ્ટમાં કુલ 9 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મંદિરની જૂની ડિઝાઈન જાળવી રાખવા પણ તેની ઉંચાઈ અને પહોળાઈ વધારવા સંબંધિત મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા હતાં.
આજે ટ્રસ્ટની પહેલી બેઠક દિલ્હીનાં ગ્રેટર કૈલાશ-1 સ્થિત ટ્રસ્ટનાં કાર્યાલયમાં યોજવામાં આવી હતી. આ કાર્યાલય વરિષ્ઠ વકીલ કે.પરાસરણનાં આવાસમાં બનાવવામાં આવેલું છે. પરાસરણનાં વડપણ હેઠળ યોજાયેલી આ બેઠક બાદ અધ્યક્ષ, મહાસચિવની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી. ગોવિંદ ગિરીને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
રામમંદિરના નિર્માણ માટે ભવન નિર્માણ સમિતિ રચાશે. જેમાં નૃપેન્દ્ર મિશ્રા અધ્યક્ષ રહેશે. આજે બેઠકની વિગતો આપતાં મહાસચિવ ચંપત રાય ભાવુક બની ગયા હતાં અને તેઓ પોતાનું સંબોધન પૂરું કરી શક્યા નહોતાં.
ત્યારબાદ ગોવિંદદેવ ગિરી સ્વામીએ આગળની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજની બેઠકમાં ટ્રસ્ટના 14 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતાં. તેમેણ કહ્યું હતું કે, આજે ભારતનાં ઈતિહાસમાં નવો અધ્યાય લખાયો છે. 
ટ્રસ્ટનાં અધ્યક્ષ બનેલા મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું હતું કે, રામમંદિરનું મોડેલ એ જ રહેશે પરંતુ તેની ઉંચાઈ અને પહોળાઈ વધારવામાં આવશે. હવે 1પ દિવસ બાદ ફરીથી અયોધ્યામાં ટ્રસ્ટની વધુ એક બેઠક મળશે. તેમાં મંદિર નિર્માણની તારીખો જાહેર થવાની સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી.
રામ મંદિર નિર્માણ માટે રચવામાં આવેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠક પૂર્વે ટ્રસ્ટનાં સદસ્યોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી.
  1. કે. પરાશરન, વરિષ્ઠ વકીલ. અયોધ્યામાં કેસ હિંદુ પક્ષના વકીલ, 2. જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી જી મહારાજ, પ્રયાગરાજ, 3. જગતગુરૂ સ્વામી પ્રસન્નતીર્થ જી મહરાજ, પેજાવર મઠ, ઉડુપી , 4. યુગપુરૂષ પરમાનંદ જી મહારાજ, અખંડ આશ્રમ, હરિદ્વાર, 5. વિમલેન્દ્ર મોહન મિશ્રા ઉર્ફે રાજા અયોધ્યા, અયોધ્યા રાજ પરિવારના વંશજ , 6. ડો. અનિલ મિશ્રા, અયોધ્યા , 7. કામેશ્વર ચૌપાલ, પટના, 8. મહંત ધીરેન્દ્ર દાસ, નિર્મોહી અખાડા , 9. સંયુક્ત સચિવ સ્તરનું કેન્દ્ર સરકારના અધિકારી, 10. અનુજ ઝા, જિલ્લાધિકારી અયોધ્યા, 11. અવનીશ અવસ્થી, અપર મુખ્ય સચિવ ગૃહ, યૂપી સરકાર, 12. સ્વામી ગાવિંદ દેવ ગિરી જી, પુણે, પાડુંરંગ અઠાવલેના શિષ્ય, 13. એક્સ ઓફિસીઓ મેમ્બરની પસંદગી ટ્રસ્ટ કરશે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer