મોટો વ્યાપાર સોદો પછીથી જરૂર કરીશું : ટ્રમ્પ

મોટો વ્યાપાર સોદો પછીથી જરૂર કરીશું : ટ્રમ્પ
ભારતની મુલાકાત અગાઉ અમેરિકી પ્રમુખનું સૂચક નિવેદન
વોશિંગ્ટન, તા. 19 (પીટીઆઈ) : ભારત સાથે મોટો વ્યાપાર સોદો પછીથી કરવાનું હાલ બાકી રાખું છું અને નવેમ્બરની પ્રમુખીય ચૂંટણી પહેલાં તે થશે કે કેમ તે જાણતો નથી એમ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. તે સ્પષ્ટ નિર્દેશ કરે છે કે આવતા સપ્તાહની તેમની ભારત મુલાકાત દરમિયાન મોટો દ્વિપક્ષી વ્યાપાર સોદો કદાચ થવાની તજવીજ ચાલી રહી નથી. જોઇન્ટ બેઇઝ એન્ડ્રયુઝ ખાતે પત્રકારોને તેમણે કહ્યું હતું કે આપણે ભારત સાથે વ્યાપાર સમજૂતી કરીશું, પણ મોટો સોદો કરવાનું હું બચાવી રાખવા માગું છું, બાકી રાખવા માગું છું.
ભારત સાથેની વાટાઘાટમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇથીઝર ટ્રમ્પ સાથે આવે તેવી વકી નથી, જો કે અધિકારીઓ તે શક્યતા નકારતા ય નથી.
ભારત-અમેરિકી વ્યાપાર સંબંધો અંગે દેખીતી નાખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યં હતું કે ભારત દ્વારા અમારી સાથે સારો વ્યવહાર થયો નથી. દરમિયાન યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમે રીપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લામાં છેલ્લો ત્રૈમાસિક ડેટા એકંદર હકારાત્મક દ્વિપક્ષી વ્યાપાર પ્રવાહ રહ્યાનું સૂચવે છે. ત્રીજો ત્રૈમાસિક ડેટા કંઈક નીચે સરકતો વૃદ્ધિદર બતાવે છે. ભારતમાં આર્થિક વૃદ્ધિમાંની અણધારી મંદી, અમેરિકા-ચીન વ્યાપાર લડાઈની અસર, અમેરિકી બાજુએથી જીએસપી વિડ્રોઅલ અને ભારતીય બાજુએથી ચોક્કસ અમેરિકી સામાન પર બદલારૂપ ટેરીફ સહિતનાં કેટલાંક કારણોને લઈ આ થયાનું ફોરમ જણાવે છે.
'19ના પ્રથમ 3 ત્રૈમાસિકમાં અમેરિકાએ ભારતમાં 45.3 અબજ ડોલરના માલ-સેવાની નિકાસ કરી હતી (જે આગલા વર્ષના આ જ સમયગાળામાંની નિકાસ કરતા 4 ટકા વધુ હતી.)જ્યારે અમેરિકાએ ભારતમાંથી 65.6 અબજ ડોલરના માલ-સેવાની આયાત કરી હતી (જે આગલા વર્ષના આ સમયગાળાની આયાત કરતા પાંચ ટકા વધુ હતી) જો હાલનો 7 ટકાની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર જળવાઈ રહે તો 25 સુધીમાં કુલ દ્વિપક્ષી વ્યાપાર 238 અબજ ડોલરને આંબી શકે છે, એમ ફોરમનો અંદાજ જણાવે છે.
Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer