મુંબઈની બે હૉટેલોને ઉડાવી દેવાની ધમકી

મીરા-ભાઈંદર, તા. 20 : આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ મુંબઈની બે હૉટેલોને અને મીરા-ભાઈંદરની 7/11 ક્લબને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આવો ઈ-મેલ મોકલનારે હૉટેલ અને ક્લબને બૉમ્બથી ઉડાવી દેવા સામે વર્ચ્યુઅલ કરન્સી 100 બિટકોઈન (લગભગ સવા સાત કરોડ રૂપિયા)ની માગણી કરી છે. આતંકવાદ વિરોધી સ્કવૉડ (એટીએસ) સહિત અન્ય એજન્સીઓએ આની તુરત તપાસ હાથ ધરી છે.
આ ધમકીની અસરે ક્લબ 7/11 આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળ જોતા ખાસ તો કનકિયા સંકુલમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ક્લબના માલિક મીરા-ભાઈંદરના પૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા છે. મીરા રોડ ડિવિઝનના ડેપ્યુટી પોલીસ અધિકારી શાંતારામ વલવીએ કહ્યું કે અમે ક્લબ અને તેના આસપાસના વિસ્તારની ઊંડી તપાસ કરી છે. હાલ તો કશું મળ્યું નથી. મુંબઈની બે હૉટેલોને પણ આવો ઈ-મેલ આવ્યો છે.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer