હિંદમાતા-લાલબાગમાં પાણી નહીં ભરાય

મુંબઈ, તા. 20 : વરસાદમાં પરેલના હિંદમાતા અને લાલબાગ વિસ્તારોને પૂર જેવી સ્થિતિનો હવે સામનો કરવાની વેળ નહીં આવે. બીએમસીએ વરસાદના દિવસોમાં આ વિસ્તારોમાં પાણી જમા થાય નહીં, ભરાય નહીં માટે અંગ્રેજોના જમાનાથી ચાલી આવેલી પાણીના નિકાલની પદ્ધતિ બદલી છે. બીએમસીએ સાત કિલોમીટર લાંબી પાણીના નિકાલની વ્યવસ્થાની જગ્યાએ 50 મિલિમીટરની પાઈપલાઈન નાખીને પાણીના નિકાલની વ્યવસ્થાને સરળ બનાવી દીધી છે. બીએમસી સ્ટ્રોમ વોટર ડ્રેન ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર સંજય જાધવે કહ્યું કે આ કામગીરીની વ્યવસ્થા આખરી તબક્કામાં છે. વરસાદ પૂર્વે આ કામ થઈ જશે. અહીં વર્ષ 2017થી આ કામ ચાલી રહ્યું હતું.
જાધવે કહ્યું કે મુંબઈમાં ગટરના અને વરસાદના પાણીના નિકાલ માટે જુદી-જુદી લાઈનો છે, જેમાં એક દક્ષિણ વિભાગ અંતર્ગત હિંદમાતા ક્ષેત્રના નીચાણના વિસ્તારોમાં આવે છે. બ્રિટિશ સમયકાળમાં બનાવાયેલા નાળાની ક્ષમતા માત્ર 25 મિલિમીટર પાણીનો નિકાલ કરવા જેટલી હતી. બીએમસી વરસાદના પાણીના નિકાલ માટે ત્રણ સ્તરના નાળાનું નિર્માણ કરી રહ્યું છે, જેથી વરસાદના પાણીના નિકાલ માટેની ક્ષમતા વધીને 50 મિ.મી.ની થશે.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer