બેફામ ડ્રાઈવિંગના આરોપમાંથી મહિલાને `ક્લીન ચિટ''

મુંબઈ, તા. 20 : વાહનોની અવરજવર માટેનો ગ્રીન સિગ્નલ હોવા છતાં રસ્તો ઓળંગતી એક વ્યક્તિને ઉડાવી દેવાના આરોપમાંથી 65 વર્ષની એક મહિલાને કોર્ટના મજિસ્ટ્રેટે છોડી દીધી હતી. આ આરોપ 2011માં લગાવ્યો હતો. આ મહિલા કલ્પના મર્ચન્ટે પોતાનો બચાવ કર્યો છે કે તેણીનું ડ્રાઈવિંગ બેફામ નહોતું, પણ અકસ્માત થવા માટે તે વ્યક્તિ સદાનંદ ભાત્ડે દ્વારા અચાનક રસ્તો ઓળંગવા કરાયેલી દોડાદોડીનું આ પરિણામ હતું એમ કોર્ટે કહ્યું હતું.
આ અકસ્માત 22મી જાન્યુઆરીના કેવલ્યધામ નજીક સર્જાયો હતો. આ એક્સિડન્ટમાં ભાત્ડેને માર લાગતાં બેહોશ થઈ જતાં મર્ચન્ટે નાસી નહીં જવાને બદલે તેની કાર ઊભી રાખી હતી. પોલીસે ભાત્ડેને સૈફી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી, પણ ઈજાઓને કારણે તે મૃત્યુ પામ્યો હતો. આથી મર્ચન્ટ સામે બેફામ ડ્રાઈવિંગ અને બેપરવાઈ દાખવવાના કારણે આ ઘટના બની હતી એવો આરોપ લગાવ્યો હતો.
ત્રણ સાક્ષીઓમાંથી બે પોલીસમૅન હતા. એક સાક્ષીએ અદાલતને કહ્યું કે તે તેની કાર વચ્ચેની લેનમાં ચલાવતો હતો ત્યારે ગ્રીન સિગ્નલ હોવા છતાં પગપાળા ચાલતી વ્યક્તિએ રસ્તો ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો અને કારનો ધક્કો લાગ્યો હતો. કોર્ટે નિરીક્ષણ કર્યું કે સાક્ષીએ આરોપી બેફામ ચલાવતો હતો અથવા તેણે બેદરકારી દાખવી હતી એવું કાંઈ કહ્યું નહોતું.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer