ઘાટકોપર વિમાન દુર્ઘટનાનો અહેવાલ જાહેર

મુંબઈ, તા. 20 : વિમાને ઉડાણ ભર્યા બાદ અચાનક ખરાબ હવામાનને કારણે ઉદ્ભવેલી કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવામાં મળેલી નિષ્ફળતા, ઈન્સ્ટ્રુમેન્ટલ લેન્ડિંગ સિસ્ટમ પરથી વિઝયુઅલ ફલાઈંગમાં કરવામાં આવેલો ફેરફાર અને એન્જિનમાં થયેલી યાંત્રિક ખરાબી જેવા કારણોસર ઘાટકોપરમાં વિમાનની દુર્ઘટના થઈ હોવાની શક્યતા તપાસ અહેવાલમાં જણાવાઈ છે. ઍર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ આ અહેવાલ જાહેર કર્યો છે. જોકે, મૃતકોના પરિવારજનોએ અહેવાલને શંકાસ્પદ હોવાનું જણાવી નકારી દીધો હતો.
28 જૂન, 2018માં બીચક્રાફટ કિંગ ઍચર સી-90એ પ્રકારનું યુવાય એવિયેશનના વિમાને જુહૂ ઍરપોર્ટથી ટેક ઓફ કર્યા બાદ ઘાટકોપરમાં તૂટી પડયું હતું, જે વિમાનમાં પ્રવાસ કરતી ચાર અને એક રાહદારી મળી પાંચ વ્યક્તિ મૃત્યુ પામી હતી. કોકપિટ ક્રૂ મેમ્બર કૅપ્ટન માર્યા ઝવેરીના પતિ પ્રભાત કથુરિયાએ આક્ષેપ કરતા કહ્યું કે અમે કોર્ટમાં જઈશું. આ અહેવાલ સાવ બકવાસ છે. વિમાનના બંને એન્જિન નિષ્ફળ જતા વિમાન તૂટી પડયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે અમુક લોકોને બચાવવા રેકોર્ડિંગ સાથે ચેડાં કરાયા છે. એ સાથે પ્લેનમાં એન્જિનિયર અને ટેક્નિશિયનની મોજુદગી અંગે રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer