અમેરિકા પાસેથી 24 રોમિયો હેલિકૉપ્ટર ખરીદશે ભારત

નવી દિલ્હી, તા. 20 : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટી (સીસીએસ)એ નૌસેના માટે અમેરિકા પાસેથી 24 મલ્ટીરોલ હેલિકૉપ્ટર, રોમિયો ખરીદવાનો નિર્ણય કર્યો છે. સીસીએએ બુધવારે 2.6 બિલિયન ડૉલરના આ સોદાને મંજૂરી આપી દીધી હતી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન આ સોદા પર મહોર લાગી શકે છે. 
આ હેલિકૉપ્ટર નૌસેનાના જંગી કાફલામાં સામેલ કરવામાં આવશે, જે સબમરીન પર હુમલા માટે હથિયારોથી સજ્જ હશે. અમેરિકાની કંપની લૉકહીડ માર્ટિન દ્વારા તૈયાર એમએચ-60 રોમિયો હેલિકૉપ્ટર એન્ટી-સબમરીન અને એન્ટી સર્ફેસ (શિપ) વૉરફેર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી અને ટ્રમ્પની ઉપસ્થિતિમાં આ ડીલ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. 
સૂત્રો મુજબ, આ ડીલ હેઠળ ભારત 24 એમએચ-60 રોમિયો હેલિકૉપ્ટર માટે શરૂઆતમાં 15 ટકા રકમની ચુકવણી કરશે. ડીલ થયા બાદ તેની પહેલી ખેપ બે વર્ષની અંદર આવશે. ત્યારબાદ 2થી 5 વર્ષની અંદર તમામ હેલિકૉપ્ટર ભારતને મળી જશે. આ ઉપરાંત બંને દેશોની વચ્ચે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ ખરીદવા અંગે પણ ચર્ચા થઈ શકે છે. જોકે, આ સોદામાં અડચણ આવી શકે છે, કારણ કે આ સોદો લગભગ 9000 કરોડનો હશે.
સૂત્રો અનુસાર સીસીએસએ 1.86 બિલિયન ડૉલરની અંદાજિત ખર્ચથી અમેરિકા પાસેથી મિસાઇલ રક્ષા પ્રણાલીની ખરીદી અંગે પણ ચર્ચા-વિચારણ કરી હતી. તેઓએ કહ્યું કે સોદાને અંતિમ મંજૂરી આપવાની બાકી છે. 

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer