કમલ હાસનની ફિલ્મના સેટ પર દુર્ઘટના : ત્રણ લોકોનાં મોત

કમલ હાસનની ફિલ્મના સેટ પર દુર્ઘટના : ત્રણ લોકોનાં મોત
ચેન્નઈ, તા. 20 : દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ `ઈન્ડિયન-2'ના સેટ પર મોટી દુર્ઘટના બની છે. ચેન્નઈના ઈવીપી સ્ટુડિયોના સેટ પર ક્રેન ક્રેશ થઈ ગઈ જેની ઝપટમાં આવવાથી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ થવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસ દ્વારા ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવાયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મોડી રાત્રે કમલ હસાન પણ હૉસ્પિટલ પહોંચ્યા અને તેઓએ ઘાયલોના ખબરઅંતર પૂછ્યા હતા. મળતી માહિતી મુજબ જે સમયે આ દુર્ઘટના બની તે સમયે તેઓ સેટ પર હાજર હતા. 
દુર્ઘટનામાં મધુ (29) (ડાયરેક્ટર શંકરના પર્સનલ આસિસ્ટન્ટ), કૃષ્ણા (34) (આસિસ્ટન્ટ ડાયરેક્ટર) અને એક સ્ટાફ ચંદન (60)નું મોત થયું છે. નોંધનીય છે કે આ ફિલ્મને એસ. શંકર ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ આ ફિલ્મના પોસ્ટર રિલીઝ થયા હતા. 
આ ફિલ્મને લઈને મનોરંજન જગતમાં એ વાતને લઈ ચર્ચા હતી કે આ કમલ હાસનની અંતિમ ફિલ્મ હોઈ શકે છે. મૂળે કમલ હાસને હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેઓ હવે કોઈ ફિલ્મ નહીં કરે.
તેઓએ આવો નિર્ણય રાજકારણમાં પોતાની વધી રહેલી સક્રિયતાને કારણે લીધો છે. તેઓએ કહ્યું હતું કે બંને કામ એક સાથે ન કરી શકાય.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer