ઘર ખરીદવાની પ્રક્રિયા સરળ બનશે

ઘર ખરીદવાની પ્રક્રિયા સરળ બનશે
મુંબઈ, તા. 20 : મહાનગરમાં હવે ઘર ખરીદવું મુશ્કેલ અને કંટાળાજનક નહીં રહે. ઈઝ અૉફ ડુઈંગ બિઝનેસ, અંતર્ગત ભારતે હવે શહેરી વિસ્તારમાં મિલકતની ખરીદી અને રજિસ્ટ્રેશન ઝડપી બને એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેથી વર્લ્ડ બૅન્કની વાર્ષિક આકારણીમાં ભારતના રેન્કિંગમાં સુધારો થઈ શકે.
છેલ્લા ત્રણ દાયકાના લૅન્ડ રેકોર્ડનું ડિજિટાઈઝેશન કર્યા બાદ રાજ્યના મહેસૂલ વિભાગે મિલકત અંગેની તમામ જાણકારી એક જ સ્થળે મળી શકે એ માટે ખાસ ઈ-પોર્ટલ શરૂ કર્યું છે.
પોર્ટલ (વાાિંાિં://યિલશતાયિંશિક્ષલ - જ્ઞાયાિyિં.ળફવફબવજ્ઞજ્ઞળશ.લજ્ઞદ.શક્ષ) પર નાગરિકો જેમને મિલકતના ટાઈટલ, માલિકી હક સહિતની વિવિધ જાણકારી ઉપરાંત લૅન્ડ રેકોર્ડમાં થયેલા ફેરફાર, પ્રોપર્ટી ટૅક્સની ચુકવણી, વીજળી અને પાણીનાં બાકી નીકળતાં લેણાંની સાથે ભૂતકાળમાં થયેલા તમામ વહેવારોની વિગત એક ક્લિક પર મળી જશે, એમ રાજ્યના સેટલમેન્ટ કમિશનર એસ. ચોકાલિંગમે જણાવ્યું હતું.
આ વિશેની જાણકારી કેન્દ્રના રજિસ્ટ્રાર અૉફ કંપનીઝ અને સેન્ટ્રલ રજિસ્ટ્રી અૉફ સિક્યોરિટીસેશન એસેટ રિકન્સ્ટ્રક્શન ઍન્ડ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ અૉફ ઇન્ડિયા પર પણ ઉપલબ્ધ હશે એમ ચોકાલિંગમે જણાવ્યું હતું. દિલ્હી પણ આ પ્રકારના ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, આ પ્રકારના સુધારાનો અમલ કરનારું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે. મુંબઈમાં જ્યાં જમીન અને અપાર્ટમેન્ટની કિંમત ઊંચી બોલાય છે ત્યાં મિલકત ખરીદવી એ ઘણું મુશ્કેલ કાર્ય છે. મિલકત ખરીદનાર માટે જરૂરી છે કે સંબંધિત મિલકત અંગેના ટાઈટલ, કાયદેસર બાબત અને નાણાકીય વ્યવહારો અંગેની જાણકારી મેળવવાની સાથે એ મિલકતના બધા ટાઈટલ ક્લિયર છે અને ખરીદવાલાયક હોવાનું જાણી શકે છે.
પોર્ટલમાં આ બધી જાણકારી એક જ ક્લિકમાં મેળવી શકાતી હોવાથી વિવિધ અૉફિસ અને એજન્સીઝમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવા અગાઉની જેમ ભાગદોડ કરવી પડશે નહીં.ખાસ કરીને મુંબઈમાં બિલ્ડિંગને મંજૂરી આપવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી હતી, જ્યારે દિલ્હીની સાથે મુંબઈમાં પણ લૅન્ડ ઍડ્મિનિસ્ટ્રેશન ઈન્ડેક્સમાં સુધારા કરાયા હતા. મુંબઈમાં મિલકતના રજિસ્ટ્રેશનને સરળ બનાવવા છતાં હજુ 154મા સ્થાને છે. વર્લ્ડ બૅન્કની આ વરસની શરૂઆતમાં રજૂ કરાયેલી આકારણી મુજબ મુંબઈમાં મિલકત ખરીદવા અને રજિસ્ટ્રેશન કરાવવા માટે હજુ 58 દિવસો લાગે છે. મિલકતની બજાર કિંમતની આઠ ટકા રકમ આ પ્રક્રિયા પૂરી કરવામાં ખર્ચાઈ જતી હોવાનો અંદાજ વર્લ્ડ બૅન્કે મૂક્યો છે. ચોકાલિંગમે જણાવ્યા મુજબ મુંબઈમાં મિલકતના રજિસ્ટ્રેશન માટે 58 દિવસનો સમય લાગે છે એ હવે માત્ર 28 દિવસ લાગશે. ઉપરાંત ઈ-પોર્ટલને કારણે મિલકત ખરીદનાર દ્વારા કરવી પડતી પ્રક્રિયામાં પણ ઘટાડો થશે.

Published on: Thu, 20 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer