રોબિન ઉથપ્પાને વધુ એક વર્લ્ડ કપ રમવાના ઓરતા

રોબિન ઉથપ્પાને વધુ એક વર્લ્ડ કપ રમવાના ઓરતા
ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં જગ્યા મેળવી લેવાનો વિશ્વાસ
નવી દિલ્હી, તા.7: ટીમ ઇન્ડિયામાં વાપસીનો લાંબા સમયથી ઇંતઝાર કરી રહેલ મીડલ ઓર્ડર બેટ્સમેન રોબિન ઉથપ્પાનું માનવું છે કે તે હજુ એક વર્લ્ડ કપ રમી શકે છે. ઉથપ્પાએ ટીમ ઇન્ડિયામાં છેલ્લે 201પમાં જગ્યા બનાવી હતી. તે પાછલાં પ વર્ષથી ટીમ ઇન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તે હાલ ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં જગ્યા મેળવવાની તૈયારી કરી રહયો છે. તેનો ભરોસો છે કે તે જગ્યા મેળવી લેશે.
રોબિન ઉથપ્પા ભારત તરફથી 46 વન ડે અને 13 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હું પ્રતિસ્પર્ધી થવા માંગું છું. મારી અંદર હજુ પણ આ પ્રકારની આગ છે. મને ઇમાનદારીથી લાગી રહ્યંy છે કે મારી અંદર હજુ એક વર્લ્ડ કપ બાકી છે. ખાસ કરીને નાના ફોર્મેટનો. 
કર્ણાટકનો આ 34 વર્ષીય બેટધર આ સિઝનમાં કેરળ તરફી રમ્યો છે. તે કહે છે કે હવે હું ટીમ ઇન્ડિયામાં ફિનિશરનો રોલ ભજવવાની તૈયારી કરી રહ્યો છું. ઘણાં વર્ષો સુધી આઇપીએલમાં કોલકતા નાઇટ રાઇડર્સ તરફથી રમનાર આ ખેલાડીને આ સિઝનમાં રીલિઝ કરી દીધો છે. આથી તેણે રાજસ્થાન રોયલ્સનો કરાર મેળવ્યો છે. તે ભારત તરફથી બે વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. વર્ષ 2007માં વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલ વન ડે વર્લ્ડ કપમાં તે ભારતીય ટીમનો હિસ્સો હતો. આ પછી પહેલીવાર રમાયેલ ટી-20 વર્લ્ડ કપમાં ધોનીની કેપ્ટનશીપમાં રમ્યો હતો. આ પછી તે 2008માં ટીમ ઇન્ડિયાની બહાર થઈ ગયો હતો. બાદમાં તે અંદર-બહાર થતો રહ્યો. છેલ્લે તે 201પમાં ઝિમ્બાબ્વે પ્રવાસની ભારતીય ટીમનો સદસ્ય હતો. એ પછીથી તે બહાર છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેનું એવું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું નથી.
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer