આઇપીએલના ચક્કરમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી હાર્યું : ક્લાર્ક

આઇપીએલના ચક્કરમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી હાર્યું : ક્લાર્ક
`આઇપીએલાના કરાર માટે કોહલી અને બીજા ભારતીય ખેલાડી સામે સ્લેજિંગ ન કર્યું'
નવી દિલ્હી, તા.7: વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ગત વર્ષે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં  પહેલીવાર ટેસ્ટ સીરિઝમાં હાર આપવામાં સફળ રહી હતી. પૂર્વ કાંગારુ ખેલાડીઓને હજુ પણ આ હાર સતાવી રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ કલાર્કનું માનવું છે કે 2018-19ની ટેસ્ટ સિરિઝમાં ઓસ્ટ્રેલિયન ટીમ વિરાટ કોહલી અને તેની ટીમ વિરુદ્ધ કંઇક વધુ હળવાશથી રમી હતી. આ જ કારણે તેમને હારનો સામનો કરવો પડયો. આ પહેલો મોકો હતો કે ઓસ્ટ્રેલિયા તેના જ ઘરમાં કોઇ એશિયન ટીમ સામે શ્રેણી હારી હોય.
ઓસિ. પૂર્વ સુકાની માઇકલ ક્લાર્કે તેના જ દેશના ખેલાડીઓ પર એવો આરોપ લગાવ્યો છે કે તેઓ આઇપીએલને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયા વિરુદ્ધ રણનીતિ બનાવી રહ્યા હતા. આ જ કારણ કે તેઓ વિરાટ કોહલી અને બાકીના ભારતીય ખેલાડીઓ પ્રત્યે નરમ હતા. જેથી આઇપીએલમાં મોટી ડીલ મેળવી શકે.
કલાર્કે ઓસ્ટ્રેલિયાના એક રેડિયો કાર્યક્રમ `ધ બિગ સ્પોર્ટ્સ બ્રેકફાસ્ટ'માં આ વાત કરી હતી. 2018-19માં ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી ત્યારે ભારતીય ટીમનો ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-1થી વિજય થયો હતો. 71 સાલના ઇતિહાસમાં આ પહેલો મોકો હતો કે ભારતે કાંગારુઓને તેમની બોડમાં હાર આપી હોય. આ હાર પર અત્યાર સુધી દુ:ખી આ પૂર્વ ઓસિ. સુકાનીનું કહેવું છે કે બધાને ખબર છે કે આ રમતમાં નાણાકીય મામલે ભારત કેટલું મજબૂત છે. આ અમીરી ઇન્ટરનેશનલ લેવલ પર હોય કે આઇપીએલ લેવલ પર. અમારા ખેલાડીઓ કોહલી અને બીજા ભારતીય ખેલાડીઓથી ડરેલા હતા, કારણ કે તેમને એપ્રિલ (2019)માં આઇપીએલમાં તેમની સાથે રમવાનું હતું. આથી ભારતીય ખેલાડીઓ સાથે સ્લેજિંગ કરવાથી ડરતા હતા. 
કલાર્કે વધુમાં કહ્યં કે ઘણા ખેલાડીઓને ચિંતા હતી કે જો કોહલીનું સ્લેજિંગ કર્યું તો આઇપીએલના ઓક્શનમાં નુકસાન વેઠવું પડશે. ક્લાર્કે એમ પણ કહ્યં કે દુનિયાભરની ટીમો હાલના દિવસોમાં ભારતીય ટીમ સાથે આવો સોફ્ટ વ્યવહાર કરી રહી છે.
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer