ઓડિટરોની બિન-ઓડિટ સેવાઓ પર વધુ અંકુશો મૂકવા સામે ઉદ્યોગોનો વિરોધ

ઓડિટરોની બિન-ઓડિટ સેવાઓ પર વધુ અંકુશો મૂકવા સામે ઉદ્યોગોનો વિરોધ
``વર્તમાન માળખું શ્રેષ્ઠ આં. રાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ''
નવી દિલ્હી તા. 7 એપ્રિલ
ઓડિટરો દ્વારા કંપનીઓને પૂરી પાડવામાં આવતી આનુષંગિક બિન-ઓડિટ સેવાઓ પર વધુ અંકુશો મૂકવાની જરૂર નથી; તે માટેનું હાલનું માળખું પર્યાપ્ત અને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે, એમ અગ્રણી ઉદ્યોગ સંગઠનોએ સરકારને જણાવ્યું છે. વધુ અંકુશો મૂકવાથી તે સેવાઓ વધુ ખર્ચાળ બનશે પરંતુ ઓડાટિંગની ગુણવત્તાને કે સ્વતંત્રતાને કશો લાભ નહિ થાય એમ તેમણે કહ્યું છે.  
થોડા સમય પહેલાં સંખ્યાબંધ ઓડાટિંગ પેઢીઓ કહેવાતી ગેરરીતિઓમાં સંડોવણી બદલ નિયામકોની નજરમાં આવી તે પછી કંપની બાબતોના મંત્રાલયે એક વિમર્શપત્ર બહાર પાડ્યો હતો જેમાં ઓડાટિંગ પેઢીઓની સ્વતંત્રતા અને જવાબદારી વધારવા માટે હાલના નિયમોમાં અનેક ફેરફારો સૂચવવામાં આવ્યા હતા. આ વિમર્શપત્રના પ્રતિભાવરૂપે ઉદ્યોગ સંગઠનોએ પોતાના અભિપ્રાયો સરકારને જણાવ્યા છે.   
હાલ કંપની ધારામાં ઓડિટરોને તેમના ઓડિટ હેઠળની કંપની તેમ જ તેની હોલ્ડિગ અને સબસિડિયરી કંપનીઓને કેટલીક સેવાઓ પૂરી પાડવાની મનાઈ ફરમાવાઇ છે. મંત્રાલયે આવી મનાઈ કરાયેલી સેવાઓની યાદીમાં કઈ વધુ સેવાઓ ઉમેરી શકાય તેની પૃચ્છા કરી હતી.  
હાલની યાદીમાં હિસાબકિતાબ અને ચોપડા રાખવા, આંતરિક ઓડિટ, કોઈ પણ નાણાકીય માહિતી સિસ્ટમની રચના અને અમલ; વીમાસંબંધી સલાહ; રોકાણવિષયક સલાહ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિગ સેવાઓ, કંપની દ્વારા બહારથી મેળવાતી નાણાકીય સેવાઓ; મેનેજમેન્ટ સેવાઓ અને `જેની ભલામણ કરાય` તે અન્ય સેવાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત કેટલીક ઓડાટિંગ પેઢીઓ પોતાના ઓડિટ હેઠળની લિસ્ટેડ કંપનીઓને કંસલ્ટન્સી અને ટ્રાન્ઝેક્શન એડવાઈઝરી સેવાઓ આપતી નથી.  
હિતધારકોએ અને અન્યોએ 15 માર્ચ સુધીમાં પોતાના અભિપ્રાયો અને સૂચનો સરકારને આપવાના હતા. 
કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)એ તેના આવેદનપત્રમાં એવી રજૂઆત કરી છે કે બિન-ઓડિટ સેવાઓ માટેનું હાલનું માળખું પર્યાપ્ત અને આંતર રાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ હોવાથી આ બાબતમાં વધુ નિયંત્રણો મૂકવાની કે વધુ સેવાઓ ઉમેરવાની જરૂર નથી. જો કે એનએફઆરએ (નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી) દ્વારા આવરી લેવાયેલી મોટી કંપનીઓને કેટલીક બિન-ઓડિટ સેવાઓ પૂરી પાડવાની ઓડિટરોને મનાઈ કરવા અંગે મંત્રાલયે વિચારવા જેવું છે એવું સીઆઈઆઈએ વધુમાં જણાવ્યું હતું. સીઆઈઆઈએ મેનેજમેન્ટ સેવાઓ જેવી કેટલીક પ્રતિબંધિત સેવાઓની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરવાની પણ માગણી કરી છે. 
ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝ (ફિક્કી)એ તેના આવેદનપત્રમાં કહ્યું છે કે બિન-ઓડિટ સેવાઓનું નિયંત્રણ, ઓડાટિંગ ફીની ટોચમર્યાદા અને ફીની જાહેરાતને લગતા હાલના નિયમો ઓડિટરોની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે પૂરતા છે અને તેથી ઓડિટરોને વધુ બિન-ઓડિટ સેવાઓ આપતા અટકાવવાની જરૂર નથી. ફિક્કીએ આઈસીએઆઈ (ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા)ની એક માર્ગદર્શિકાનો હવાલો આપ્યો છે જે કહે છે કે ઓડિટર દ્વારા બિન-ઓડિટ સેવાઓ માટે વસૂલ કરાતી ફી ઓડાટિંગ ફીથી વધુ ન હોવી જોઈએ. ફિક્કીના મતે કંપનીઓના બોર્ડની ઓડિટ કમિટીઓ આ બાબતમાં વધુ સક્રિય અને અસરકારક ભૂમિકા ભજવી શકે તેમ છે. હાલના સંજોગોમાં વધુ કાનૂની નિયંત્રણો લાદવાથી  ક્ષમતાનું સંવર્ધન અને કૌશલ્ય વિકાસ નિરુત્સાહિત થશે , સેવાઓ વધુ ખર્ચાળ બનશે અને કંપનીઓની પસંદગી મર્યાદિત બનશે, પરંતુ ઓડાટિંગની ગુણવત્તા અથવા ઓડિટરની સ્વતંત્રતામાં કશો સુધારો નહિ થાય. ફિક્કીના મતે કરવેરાનું પાલન, નાણાકીય ચકાસણી અને ફોરેન્સિક સેવાઓ જેવી બાબતોમાં ઓડિટરો કંપનીઓને વધુ દક્ષતાપૂર્વક સેવા પૂરી પાડી શકે તેમ છે. 
અન્ય એક ઉદ્યોગ સંગઠન એમચેમે કહ્યું છે કે બિન-ઓડિટ સેવાઓનું નિયમન, ફી પરની ટોચમર્યાદા અને ફીની જાહેરાત વિશેના હાલના નિયમો ઓડિટરોની સ્વતંત્રનું રક્ષણ કરવા પૂરતા હોવાથી ઓડિટરોને વધુ બિન-ઓડિટ સેવાઓ પૂરી પાડવાની મનાઈ કરવાની કોઈ જરૂર નથી.
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer