લોકડાઉન હળવો થવાના આશાવાદે શેરબજારમાં ઉછાળો

લોકડાઉન હળવો થવાના આશાવાદે શેરબજારમાં ઉછાળો
સેન્સેક્સ 2476, નિફટી 708 વધ્યો  
અમારા  પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7 એપ્રિલ 
લોકડાઉનની શરતો હળવી થવાના સંકેત અને વૈશ્વિક શેર બજારોમાં તેજીના પગલે મંગળવારે સેન્સેક્સ અને નિફટી માં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. કોમોડિટી ફ્યુચર્સમાં આવેલા તીવ્ર સુધારાથી શેર બજારમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું હતું. સેન્સેક્સ 30,000ના સ્તરની ઉપર અને નિફટી 8800ની નજીક બંધ થયા હતા. આજની તેજીની આગેવાની ફાર્મા, ઓઇલ - ગેસ, ઓટો અને બેન્કિગ શેર્સે લીધી હતી. 
સેન્સેક્સ 30 ઇન્ડેક્સમાથી 29 શેર્સ વધ્યા હતા. સેન્સેક્સ 2476 પોઇન્ટ્સ વધી 30067ના સ્તરે અને નિફટી 708 પોઇન્ટ્સ ઉછળી  8792ના સ્તરે બંધ આવ્યા હતા.  
આજની તેજીમાં રોકાણકારો 6.63 લાખ કરોડ કમાયા હતા. બીએસઇની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ શેરમાં રૂ.1.15 લાખ કરોડનો વધારો થયો હતો.  
આવતી 14 તારીખ બાદ દેશમાં કોરોના વાયરસના ઉપદ્રવમાં રાહત ધરાવતા વિસ્તારોમાં લોક ડાઉનને હળવું કરવાના સંકેતો વચ્ચે આજે શેર બજારમાં ભારે ખરીદી નીકળી હતી. વેપાર ધંધા ફરી શરૂ થવાની ધારણા બજારે સ્વીકારીને ભારે ખરીદી કરી હતી.  
આ ઉપરાંત એફપીઆઇની મર્યાદા વધારવાના નિર્ણયથી ભારતમાં નવું 1.3 અબજ ડોલરનું રોકાણ ભારતમાં આવવાની આશાએ તેજીને નવું બળ પૂરું પાડ્યું હતું.  
ભારત સરકાર દ્વારા વિવિધ 24 દવાઓની નિકાસ ઉપરથી પ્રતિબંધ દૂર કરવામાં આવતા અહીં ફાર્મા કંપનીઓના શેર્સમાં જબરદસ્ત ખરીદી નીકળી હતી. નિફટી ફાર્મા 9.53 ટકા ઉછળ્યો હતો, તેમાં કેડીલા, ઓરોબીનદો ફાર્મા, સીપ્લા અને ડૉ.રેડ્ડી'સ મુખ્ય હતા. 
ગઈકાલે અમેરિકા અને આજે સવારે એશિયાના બજારો વધતા આજે દલાલ સ્ટ્રીટમાં રોકાણકારોનો મંગળવાર શુભ સાબિત થયો હતો. 
Published on: Wed, 08 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer